- એક મહિનામાં ચાર વખત NTA નિષ્ફળ થઈ
- શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક ઉચ્ચ સ્તરીય સમિતિની કરી રચના
- આ કમિટી 2 મહિનામાં પોતાનો રિપોર્ટ મંત્રાલયને સોંપશે
દેશમાં પેપર લીકના મુદ્દાએ જોર પકડ્યું છે. એક મહિનામાં ચાર વખત NTA નિષ્ફળ થઈ ગઈ છે. આવી સ્થિતિમાં યુવાનોનું ભવિષ્ય લટકી રહ્યું છે. શિક્ષણ મંત્રાલય પણ એક્શન મોડમાં છે. NEET પેપર લીક કેસમાં શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને શનિવારે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે, જે તપાસ કરશે અને 2 મહિનામાં મંત્રાલયને અહેવાલ સુપરત કરશે.
કમિટી 2 મહિનામાં રિપોર્ટ મંત્રાલયને સોંપશે
શિક્ષણ મંત્રાલયે પરીક્ષાઓને પારદર્શક, સરળ અને નિષ્પક્ષ રીતે યોજાય તે સુનિશ્ચિત કરવા માટે નિષ્ણાતોની ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી. આ સમિતિ પરીક્ષા પ્રક્રિયા અને ડેટા સુરક્ષા પ્રોટોકોલમાં સુધારો, NTAની રચના અને કાર્યપદ્ધતિમાં સુધારો કરવા અંગે ભલામણો કરશે. આ કમિટી 2 મહિનામાં પોતાનો રિપોર્ટ મંત્રાલયને સોંપશે.
કમિટીમાં કોણ કોણ સામેલ
આ હાઈ લેવલ કમિટીના ચેરમેન તરીકે ઈસરોના પૂર્વ ચેરમેન ડો.કે.રાધાકૃષ્ણનને જવાબદારી આપવામાં આવી છે. આ કમિટીમાં અધ્યક્ષ અને મેમ્બર્સના લિસ્ટમાં એઈમ્સના પૂર્વ ડિરેક્ટર રણદીપ ગુલેરીયા પણ સામેલ છે.ત્યારે હૈદરાબાદસેન્ટ્રલ યૂર્નિવર્સિટીના કુલપતિ પ્રોફેસર બીજે રાવ, આઈઆઈટી મદ્રાસના સિવિલ એન્જિનિયર વિભાગના પ્રોફેસર એમેરિટસ રામમૂર્તિ કે, પીપલ સ્ટ્રોન્ગના સહ-સંસ્થાપક અને કર્મયોગી ભારતના બોર્ડના સભ્ય પંકજ બંસલ, આઈઆઈટી દિલ્હીના ડીન પ્રોફેસર આદિત્ય મિત્તલ શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલ સામેલ છે.
બિહાર EOUએ રિપોર્ટ સુપરત કર્યો
તેની વચ્ચે બિહારના ઈકોનોમિક ઓફેન્સ યુનિટે (EOU) NEET પેપર લીક સંબંધિત તપાસ રિપોર્ટ શિક્ષણ મંત્રાલયને સુપરત કર્યો હતો. આ રિપોર્ટમાં પુરાવાની સાથે આરોપીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. હવે EOUના તપાસ રિપોર્ટના આધારે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય આગળનો નિર્ણય લેશે.