- NEET UG પરીક્ષામાં ગેરરીતિનો મામલો
- સુપ્રિમ કોર્ટે NTAને નિર્દેશ આપ્યો
- વિદ્યાર્થીઓના પરિણામો ઓનલાઇન અપલોડ કરવા કહ્યું
NEET UG પરીક્ષા મામલો સુપ્રિમ કોર્ટમાં છે. ત્યારે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. જેમાં સુપ્રિમ કોર્ટે એનટીએને નિર્દેશ આપ્યો છે કે તમામ વિદ્યાર્થીઓના પરિણામો - શહેર મુજબ અને કેન્દ્ર મુજબ - શનિવારે બપોરે 12 વાગ્યા સુધીમાં ઑનલાઇન અપલોડ કરવામાં આવે. કોર્ટે સોમવારે એટલે કે 22 જુલાઈ સુધી કાઉન્સેલિંગ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. એસજીએ કહ્યું કે કાઉન્સેલિંગમાં થોડો સમય લાગશે. 24 જુલાઈની આસપાસ શરૂ થશે. CJIએ કહ્યું, અમે સોમવારે જ સુનાવણી કરીશું.
આજે શું થઇ ચર્ચા ?
આજે સુનાવણી દરમિયાન અરજદારોની ન્યૂનતમ સંખ્યા, IIT મદ્રાસનો રિપોર્ટ, પેપરમાં ક્યારે અને કેવી રીતે ગેરરીતિ થઈ, કેટલા સોલ્વર્સ પકડાયા, પુનઃ તપાસની માંગ અને પેપરમાં થયેલી ગેરરીતિઓની સંપૂર્ણ સમયરેખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. હવે ઉમેદવારોએ સોમવારે યોજાનારી NEET વિવાદ પર સુનાવણીની રાહ જોવી પડશે. મહત્વનું છે કે NEET UG પરીક્ષા રદ થશે કે નહીં તે મામલે 23 લાખ મેડિકલ ઈચ્છુકો આ સવાલના જવાબની રાહ જોઈ રહ્યા છે.
કોર્ટે એનટીએને શું કર્યા સવાલ ?
સુપ્રીમ કોર્ટે NTAને પૂછ્યું- 23.33 લાખ વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓએ તેમનું પરીક્ષા કેન્દ્ર બદલ્યું? તેના પર NTAએ જવાબ આપ્યો કે કરેક્શનના નામે વિદ્યાર્થીઓએ સેન્ટર બદલી નાખ્યું છે. 15,000 વિદ્યાર્થીઓએ કરેક્શન વિન્ડોનો ઉપયોગ કર્યો હતો. જો કે એનટીએએ સુપ્રિમ કોર્ટને કહ્યું તે વિદ્યાર્થી માત્ર શહેર બદલી શકે છે પરીક્ષાનું સ્થાન પસંદ ન કરી શકે. સેન્ટરનું એલોટમેન્ટ તો સિસ્ટમ દ્વારા જ કરવામાં આવે છે. અલોકેશન પરીક્ષાના બે દિવસ પહેલા જ કરવામાં આવે છે. આથી કોઇને ખબર નથી હોતી કે સેન્ટર કયુ મળવાનું છે.
IIT મદ્રાસના રિપોર્ટમાં ગેરરીતિ સામે આવી નથી
કેન્દ્ર અને એનટીએ તરફથી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરાયેલા એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે IIT મદ્રાસના રિપોર્ટમાં NEET UG 2024ની પરીક્ષામાં કોઈ ગેરરીતિઓ સામે આવી નથી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ન તો કોઇ ગરબડીનો સંકેત હતો અને ન તો ઉમેદવારોના એક સ્થાનિક જૂથને લાભ પહોંચાડવામાં આવ્યો. મહત્વનું છે કે ચીફ જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ આજે 40થી વધુ અરજીઓ પર સુનાવણી કરી રહી છે. આ અરજીઓમાં પરીક્ષા રદ કરવી, પુનઃપરીક્ષા અને NEET-UG 2024ના આચરણમાં કથિત ગેરરીતિઓની તપાસ અને NEET વિવાદ પર વિવિધ ઉચ્ચ અદાલતોમાં નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) સામે પડતર કેસોની ટ્રાન્સફરનો સમાવેશ થાય છે. અગાઉ, CGI એ કહ્યું હતું કે જો NEET-UG 2024 ની અખંડિતતા સાથે ચેડા કરવામાં આવ્યા છે તો પરીક્ષા રદ કરવી જોઈએ.