• 6 ઉમેદવારોને આપવામાં આવેલા ગ્રેસ માર્ક્સ પાછા ખેંચી લેવાયા
  • સુધારેલા પરિણામોમાં અન્ય હજારો ઉમેદવારોના માર્ક્સ અને રેન્ક બદલાયા
  • SCએ પરીક્ષા રદ કરવાની અરજી ફગાવી

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ વિવાદાસ્પદ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-અંડરગ્રેજ્યુએટ (NEET-UG) ના અંતિમ પરિણામો જાહેર કર્યા છે. આ પછી 17 ઉમેદવારોએ પરિણામોમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. પહેલાના રીઝલ્ટમાં ટોપર્સની સંખ્યા 61 હતી. સુધારેલા પરિણામોમાં અન્ય હજારો ઉમેદવારોના માર્ક્સ અને રેન્ક બદલાયા છે. લાયકાત ધરાવતા ઉમેદવારો અને કટ-ઓફની સંખ્યામાં પણ થોડો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

44 વિદ્યાર્થીઓના માર્કસ કેમ ઘટ્યા?

સુપ્રીમ કોર્ટની સૂચના બાદ ફિઝિક્સના એક પ્રશ્નના માર્ક્સને ધ્યાનમાં રાખીને પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ કહ્યું હતું કે આ પ્રશ્નના બે સાચા જવાબ છે. NTAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હવે સુધારેલા માર્કસ જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ સ્થાન મેળવનાર 67 ઉમેદવારોમાંથી 44 એ ચોક્કસ ભૌતિકશાસ્ત્રના પ્રશ્ન માટે આપવામાં આવેલા ગુણને કારણે સંપૂર્ણ ગુણ મેળવ્યા હતા. ટોચના રેન્કર્સની સંખ્યા પાછળથી ઘટાડીને 61 કરવામાં આવી હતી કારણ કે એજન્સીએ કેટલાક પરીક્ષા કેન્દ્રો પર સમયની ખોટની ભરપાઈ કરવા માટે 6 ઉમેદવારોને આપવામાં આવેલા ગ્રેસ માર્ક્સ પાછા ખેંચી લેવાયા હતા.

SCએ પરીક્ષા રદ કરવાની અરજી ફગાવી

નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) 2024 ના અસફળ ઉમેદવારોને મોટો ફટકો આપતા સુપ્રીમ કોર્ટે મંગળવારે આ પરીક્ષા રદ કરવા અને ફરીથી યોજવાની વિનંતી કરતી અરજીઓને ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે રેકોર્ડ પર એવી કોઈ સામગ્રી નથી કે જે દર્શાવે છે કે પરીક્ષાની વિશ્વસનીયતા વ્યવસ્થિત રીતે પ્રભાવિત થઈ હતી અને અન્ય ગેરરીતિઓ આચરવામાં આવી હતી. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) NEET-UG 2024 માં કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે અને તેણે 6 FIR નોંધી છે.

NEET-UG પરીક્ષા શા માટે લેવામાં આવે છે?

NEET-UG સરકારી અને ખાનગી સંસ્થાઓમાં MBBS, BDS, આયુષ અને અન્ય સંબંધિત અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા હાથ ધરવામાં આવે છે. આ વર્ષે NTA, NEET UG પરીક્ષા 5 મેના રોજ યોજાઈ હતી, જેમાં 24 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને 4 જૂને પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. આ વખતે 13.16 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જેમાં 67 ઉમેદવારોએ 720માંથી 720 માર્કસ મેળવ્યા હતા.

પરીક્ષામાં કોણ ટોપ કર્યું?

તમને જણાવી દઈએ કે 4 જૂને જાહેર થયેલા NEET-UG પરિણામ અનુસાર મહારાષ્ટ્રના વેદ સુનિલકુમાર શેંડેએ પરીક્ષામાં ટોપ કર્યું હતું. તમિલનાડુના સૈયદ અરીફીન યુસુફ એમનું નામ બીજા ક્રમે અને મૃદુલ માન્યા આનંદ ત્રીજા સ્થાને હતું. જો કે, હવે અંતિમ પરિણામ જાહેર થયા પછી, NEET-UG ટોપર્સની યાદી બદલાઈ ગઈ છે.

રેન્ક 1 પ્રાપ્ત કરનાર 17 ટોપર્સની યાદી

1. મૃદુલ આનંદ, દિલ્હી

2. આયુષ નૌગરૈયા, ઉત્તર પ્રદેશ

3. માજીન મન્સૂર, બિહાર

4. પ્રચિતા, રાજસ્થાન

5. સૌરવ, રાજસ્થાન

6. દિવ્યાંશ, દિલ્હી

7. ગુણમય ગર્ગ, પંજાબ

8. અર્ઘ્યદીપ દત્તા, પશ્ચિમ બંગાળ

9. શુભન સેનગુપ્તા, મહારાષ્ટ્ર

10. આર્યન યાદવ, ઉત્તર પ્રદેશ

11. પલાંશ અગ્રવાલ, મહારાષ્ટ્ર

12. રજનીશ પી, તમિલનાડુ

13. શ્રીનંદ શર્મિલ, કેરળ

14. માને નેહા કુલદીપ, મહારાષ્ટ્ર

15. તેજસ સિંહ, ચંદીગઢ

16. દેવેશ જોશી, રાજસ્થાન

17. ઈરમ કાઝી, રાજસ્થાન

  • Follow us on: