વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે તેમના સમકક્ષ ચો હ્યુન સાથે દ્વિપક્ષીય વાતચીત કરી હતી.
મુખ્ય પાસાઓની સમીક્ષા
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે 24-25 જૂન, 2026 ના રોજ દક્ષિણ કોરિયાની સત્તાવાર મુલાકાત લીધી હતી. આ મુલાકાત દક્ષિણ કોરિયાના વિદેશ મંત્રી ચો હ્યુનના આમંત્રણ પર થઈ હતી. બંને વિદેશ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો સિઓલમાં યોજાઈ હતી. જેમાં ભારત-દક્ષિણ કોરિયા સંબંધોના તમામ મુખ્ય પાસાઓની સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર પણ વિગતવાર ચર્ચા કરી હતી.
પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા પર ચર્ચા
બંને વિદેશ મંત્રીઓ ભારત-દક્ષિણ કોરિયા વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપવા અને તાજેતરની ઉચ્ચ-સ્તરીય બેઠકોના નિર્ણયોને આગળ વધારવા સંમત થયા. જયશંકરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રીય સુરક્ષા નિર્દેશક, વી સુંગ-લાક સાથે પણ મુલાકાત કરી અને પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા અંગે ચર્ચા કરી. 25 જૂનના રોજ, જયશંકરે જેજુમાં આયોજિત જેજુ ફોરમ ફોર પીસ એન્ડ પ્રોસ્પેરિટીના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય ભાષણ આપ્યું. વિદેશ મંત્રી જયશંકરે તેમના સમકક્ષ, ચો હ્યુનને ભારત-દક્ષિણ કોરિયા સંયુક્ત કમિશનની આગામી બેઠક માટે ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતુ.
ગ્લોબલ સાઉથને વધુ તકો આપવી જોઈએ
ભારત અને કોરિયા પ્રજાસત્તાકને વધુ નજીકથી સહયોગ કરવો જોઈએ, વિદેશ મંત્રીએ કહ્યું હતુ. આપણી પાસે જહાજ નિર્માણ, ડિજિટલ, આરોગ્ય, માળખાગત સુવિધાઓ અને સંરક્ષણ જેવા ક્ષેત્રોમાં ક્ષમતાઓ છે જેનો હજુ સુધી સંપૂર્ણ ઉપયોગ થયો નથી. મંત્રીએ કહ્યું કે, પ્રભાવશાળી દેશોએ વૈશ્વિક વ્યવસ્થાને સ્થિર કરવા અને ચોક્કસ એજન્ડાના આધારે સહયોગ દ્વારા મુદ્દાઓ અને સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે નવી સમજણ અને ગાઢ સંબંધો બનાવવા જોઈએ. તેમણે ઉમેર્યું, ગ્લોબલ સાઉથને વધુ ક્ષમતાઓ અને તકો પૂરી પાડવી જોઈએ. આ વૈશ્વિક વિકાસના નવા પ્રેરક પરિબળો પણ બનાવશે."
આ પણ વાંચોઃ King Charles અને Queen Camilla બકિંગહામ પેલેસમાં નહીં રહે, જાણો શું છે કારણ?













