વિદેશ મંત્રી એસ. જયશંકરે ફરી એકવાર વૈશ્વિક મંચ પર ભારતના રાષ્ટ્રીય હિતો અને વિદેશ નીતિને મજબૂત રીતે રજૂ કરી છે. ફિનલેન્ડમાં આયોજિત 'કુલતારંતા ટોક્સ' (Kultaranta Talks) દરમિયાન રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઇલ ખરીદવાના પશ્ચિમી દેશોના સવાલો પર વિદેશ મંત્રીએ યુરોપિયન દેશોની બેવડી નીતિઓ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે યુરોપ એવા દેશોને હથિયારો વેચે છે જેનો ઉપયોગ ભારત પર હુમલા કરવા માટે થાય છે અને આ સિલસિલો વર્ષોથી ચાલી રહ્યો છે.
યુરોપના હથિયારો અને ભારતની સુરક્ષા
પેનલ ચર્ચા દરમિયાન જ્યારે એક પત્રકારે ભારતની રશિયા પ્રત્યેની કથિત 'સહાનુભૂતિ' અને તેલ ખરીદવાની ઉત્સુકતા પર સવાલ ઉઠાવ્યો, ત્યારે જયશંકરે જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે યુરોપની ઐતિહાસિક અને નૈતિક વિસંગતતાઓ તરફ ઈશારો કરતા કહ્યું, "કોઈપણ યુરોપિયન દેશ પર ભારતીય હથિયારોથી ક્યારેય હુમલો થયો નથી. કાશ, હું યુરોપના હથિયારો અંગે પણ ભારત માટે આવું કહી શકતો હોત!" તેમણે ઉમેર્યું કે ભારતીયોએ ક્યારેય યુરોપના હિતોને જોખમમાં મૂકવાનું કામ કર્યું નથી, પરંતુ યુરોપ લાંબા સમયથી ભારતના દુશ્મનોને હથિયાર સપ્લાય કરતું આવ્યું છે.













