મધ્યપ્રદેશની દતિયા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપ દ્વારા ટિકિટની જાહેરાત કરાતા જ સમગ્ર વિસ્તારમાં ભારે હોબાળો અને હિંસા ફાટી નીકળી છે.

પોલીસ પર ભારે પથ્થરમારો

શુક્રવારે રાત્રે ભાજપના કદાવર નેતા અને પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની ટિકિટ કાપવામાં આવતા તેમના હજારો સમર્થકો રોષે ભરાયા હતા. નારાજ સમર્થકોએ ગઈકાલે રાત્રે નેશનલ હાઈવે-44 ને સંપૂર્ણપણે બ્લોક કરી દીધો હતો. જોતજોતામાં આ વિરોધ પ્રદર્શને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને વહેલી સવારે પોલીસ પર ભારે પથરાવ કરવામાં આવ્યો હતો, જેમાં દતિયાના એસપી મયૂર ખંડેલવાલ અને એડિશનલ એસપી સહિત 6 થી વધુ પોલીસકર્મીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

ટોળાએ ભારે ટ્રાફિકજામ કર્યો 

સમાચાર માધ્યમોને પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ગઈકાલ સાંજથી જ આશરે 3,000 થી વધુ ઉપદ્રવીઓ દતિયા શહેરનો માહોલ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેમણે બજારો બંધ કરાવી હાઇવે પર 'ચક્કાજામ' કર્યો હતો, જેના કારણે 15 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. 

https://twitter.com/ANI_MP_CG_RJ/status/2075767797519671299 

પોલીસ પર વહેલી સવારે પથ્થરમારો

એમ્બ્યુલન્સ અને બસો ફસાઈ જતાં જ્યારે પોલીસ સવારે 4 વાગ્યે જામ ખુલાવવા પહોંચી, ત્યારે ભીડે અચાનક પથરાવ શરૂ કરી દીધો. માહોલ બગડતો જોઈ પોલીસે આંસુ ગેસના ગોળા છોડ્યા અને બળપ્રયોગ કરીને ઉપદ્રવીઓને ખદેડ્યા હતા.

શા માટે ફાટી નીકળ્યો આક્રોશ?

ભાજપે દતિયા પેટાચૂંટણી માટે સીનિયર નેતા નરોત્તમ મિશ્રાનું પત્તું કાપીને આશુતોષ તિવારીને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા છે. નરોત્તમ મિશ્રાના સમર્થકોને પૂરો ભરોસો હતો કે ટિકિટ તેમને જ મળશે, તેથી તેમણે નામાંકન ફોર્મ પણ ખરીદી લીધું હતું. નામ કપાતા જ સમર્થકો રસ્તા પર શર્ટ ઉતારીને સૂઈ ગયા હતા અને ભાજપમાંથી સામૂહિક રાજીનામાની ઝડી લગાવી દીધી હતી. જોકે, ટિકિટ મળ્યા બાદ આશુતોષ તિવારીએ જણાવ્યું કે નરોત્તમ મિશ્રા તેમના વાલી સમાન છે અને તેઓ તેમના માટે પ્રચાર કરશે.

કેમ યોજાઈ રહી છે પેટાચૂંટણી?

વર્ષ 2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના રાજેન્દ્ર ભારતીએ તત્કાલીન ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને 7,500 થી વધુ મતોથી હરાવ્યા હતા. પરંતુ, આ જ વર્ષે એપ્રિલ મહિનામાં દિલ્હીની એક કોર્ટે રાજેન્દ્ર ભારતીને છેતરપિંડીના કેસમાં 3 વર્ષની સજા ફટકારી હતી, જેના કારણે તેમની ધારાસભ્યતા રદ થઈ ગઈ હતી. આ ખાલી પડેલી બેઠક પર આગામી 30 જુલાઈએ મતદાન થશે અને 3 ઓગસ્ટે પરિણામ જાહેર થશે. હાલ આ ઘટના બાદ સમગ્ર દતિયા પંથકમાં ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવામાં આવ્યો છે. 


આ પણ વાંચો    Sandesh Digital Explainer : દક્ષિણ ગુજરાતમાં વરસાદનો કહેર! આખરે દર વર્ષે આ જ વિસ્તાર સૌથી વધુ કેમ ડૂબે છે? વાંચો એક જ ક્લિકમાં