કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ બિહારની રાજનીતિમાં પણ હલચલ તેજ બની છે. જનશક્તિ જનતા દળ (JJD)ના અધ્યક્ષ તેજ પ્રતાપ યાદવે CJPના નેતા અભિજીત દિપકને બિહારમાં આવી જનઆંદોલન શરૂ કરવાની અપીલ કરી છે.

https://twitter.com/TejYadav14/status/2080972989907272151

રાજ્યની જનતા હાલની સરકારથી પરેશાન : તેજ પ્રતાપ યાદવ 

તેજ પ્રતાપ યાદવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું કે બિહારને હવે એક મોટા જનઆંદોલનની જરૂર છે. તેમના જણાવ્યા અનુસાર રાજ્યની જનતા હાલની સરકારથી પરેશાન છે અને લોકોના પ્રશ્નોને લઈને મજબૂત જનચળવળ ઉભી કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે અભિજીત દિપક બિહારમાં આવી લોકોનો અવાજ બને અને રાજ્યમાં જનઆંદોલન શરૂ કરે.

તેજ પ્રતાપે વધુમાં કહ્યું કે તેઓ અને તેમની પાર્ટી CJPને સંપૂર્ણ સમર્થન આપશે અને બિહારના સારા ભવિષ્ય માટે સાથે મળીને કામ કરશે. ઉલ્લેખનીય છે કે જંતર-મંતર પર ચાલી રહેલા વિરોધ દરમિયાન એક યુવતીએ ભાવુક અપીલ કરતાં અભિજીત દિપકને બિહારમાં આવવા વિનંતી કરી હતી. તેના જવાબમાં અભિજીત દિપકે કહ્યું હતું કે દિલ્હીનું આંદોલન પૂર્ણ થયા બાદ CJPનો આગામી કાર્યક્રમ બિહારમાં યોજાશે.

તેજ પ્રતાપ યાદવની પોલીસે અટકાયત પણ કરી 

આ દરમિયાન બિહારના પટણા, ઔરંગાબાદ, છપરા અને ભાગલપુર સહિત અનેક શહેરોમાં NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. કેટલાક સ્થળોએ પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી. પટણામાં વિદ્યાર્થીઓને સમર્થન આપવા પહોંચેલા તેજ પ્રતાપ યાદવને પોલીસે અટકાયત પણ કરી હતી.

જોકે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJPએ પ્રેસ કોન્ફરન્સ કરીને હાલનું આંદોલન સમાપ્ત કરવાની જાહેરાત કરી છે. હવે અભિજીત દિપકના બિહાર પ્રવાસ અને ત્યાં સંભવિત જનઆંદોલનને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.

આ પણ વાંચો : Dharmendra Pradhanનું રાજીનામું, CJPનું આંદોલન... કેવી રીતે જોવા મળી ઇન્સ્ટાગ્રામની તાકાત