ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ફરી એકવાર ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. યોગી સરકારમાં કેબિનેટ મંત્રી અને સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના વડા ઓમ પ્રકાશ રાજભરે સમાજવાદી પાર્ટીને લઈને એક મોટો દાવો કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, સમાજવાદી પાર્ટીમાં ટૂંક સમયમાં મોટો ભાગલા પડી શકે છે અને ઘણા નેતાઓ ભાજપમાં જોડાવાની તૈયારીમાં છે.
રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લખ્યો પત્ર
ઓપી રાજભરે દાવો કર્યો છે કે સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા રામગોપાલ યાદવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને એક પત્ર લખ્યો છે. રાજભરના કહેવા મુજબ, આ પત્રમાં કેટલાક એવા નેતાઓના નામ છે, જેઓ ભાજપમાં જોડાવા માંગે છે. જોકે, અત્યાર સુધી આ દાવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ રાજભરના નિવેદનથી ઉત્તર પ્રદેશની રાજનીતિમાં ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. ઓમ પ્રકાશ રાજભરે સમાજવાદી પાર્ટી પર હુમલો કરતા કહ્યું કે જેમ જેમ તપાસ એજન્સીઓ ખાણકામ કૌભાંડ અને ગોમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ જેવા કેસોમાં કાર્યવાહી તેજ કરી રહી છે, તેમ તેમ સપાના નેતાઓમાં ગભરાટ વધી રહ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે આ કેસોમાં ઘણા મોટા નામો સામેલ છે.










