પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની પ્રચંડ જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક અત્યંત ભાવુક પોસ્ટ લખી છે. તેમણે આ જીતને ભય, તુષ્ટિકરણ અને ઘૂસણખોરો સામે બંગાળની જનતાનો કરારો જવાબ ગણાવ્યો છે. શાહે સ્પષ્ટ કર્યું છે કે ટીએમસીના ભયના શાસન સામે જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરોસા પર મહોર મારી છે.

કાર્યકરોનું બલિદાન એળે નહીં જાય

અમિત શાહે આ જીતને ભાજપના તે અસંખ્ય કાર્યકરોને અર્પણ કરી છે જેમણે હિંસા વચ્ચે પણ ભગવો ધ્વજ છોડ્યો નથી. તેમણે લખ્યું, "શૂન્યથી પ્રચંડ બહુમતી સુધીની આ સફરમાં જે કાર્યકરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી અને યાતનાઓ સહન કરી, આ જીત તે શહીદોને સાચી શ્રદ્ધાંજલિ છે. ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી આજે ભાજપનો ભગવો ધ્વજ ગૌરવથી લહેરાઈ રહ્યો છે."

સૌના સાથથી 'સોનાર બાંગ્લા'નું સપનું સાકાર થશે

અમિત શાહે પશ્ચિમ બંગાળના પ્રદેશ પ્રમુખ સમિક ભટ્ટાચાર્ય, રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન અને સુવેન્દુ અધિકારી સહિતના તમામ કાર્યકરોને આ જીત માટે અભિનંદન પાઠવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ચૈતન્ય મહાપ્રભુ, વિવેકાનંદ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવા મહાપુરુષોની આ પવિત્ર ભૂમિનું ખોવાયેલું ગૌરવ પાછું લાવવા અને 'સોનાર બાંગ્લા' બનાવવા માટે ભાજપ રાત-દિવસ એક કરી દેશે.


આ પણ વાંચો---    West Bengal Election Result 2026 : 75 વર્ષ બાદ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું સપનું સાકાર, ભાજપે અદા કર્યુ 'પિતૃઋણ'