પશ્ચિમ બંગાળના રાજકારણમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે. પશ્ચિમ બંગાળમાં 'જય શ્રી રામ'ના નાદ સાથે ભાજપે આજે પ્રચંડ બહુમતી હાંસલ કરી છે. આ જીત માત્ર સત્તા પરિવર્તન નથી, પરંતુ ભારતીય જનસંઘના સ્થાપક ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના વિચારોની જીત છે. દાયકાઓ સુધી જે ધરતી પર ભાજપને 'બહારની પાર્ટી' કહેવામાં આવતી હતી, તે જ જન્મભૂમિ પર આજે ભગવો લહેરાયો છે.

વૈચારિક ચક્ર પૂર્ણ થયું

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીએ 'એક દેશમાં બે વિધાન, બે પ્રધાન અને બે નિશાન નહીં ચાલે'નો નારો આપ્યો હતો. કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કર્યા બાદ, બંગાળમાં જીત મેળવવી એ ભાજપ માટે વૈચારિક ચક્ર પૂર્ણ કરવા સમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે ચૂંટણી પ્રચાર દરમિયાન મુખર્જીનું સપનું પૂરું કરવાનું જે વચન આપ્યું હતું, તે આજે 190થી વધુ બેઠકો સાથે સાકાર થતું દેખાય છે.

ટીએમસીના 15 વર્ષના શાસનનો અંત

મમતા બેનર્જીની 'માં, માટી, માનુષ'ની રાજનીતિ સામે ભાજપના 'સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ' અને 'સબકા સાથ, સબકા વિકાસ'ના નેરેટિવે બંગાળની જનતાના હૃદયમાં સ્થાન બનાવ્યું છે. 34 વર્ષના લેફ્ટ શાસન અને 15 વર્ષના તૃણમૂલ શાસન બાદ બંગાળમાં પ્રથમ વખત ભાજપની સરકાર બનવા જઈ રહી છે.

ઘૂસણખોરી અને સમૃદ્ધિ પર ભાર

પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ બેરકપુરની સભામાં કહ્યું હતું તેમ, નવી ભાજપ સરકાર બંગાળમાં ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દાનો ઉકેલ લાવશે અને રાજ્યને ફરી એકવાર સમૃદ્ધિના પંથે લઈ જશે. આ વિજય સાથે ભાજપે તેના સ્થાપક પિતામહ પ્રત્યેનું 'પિતૃઋણ' અદા કર્યું છે.


આ પણ વાંચો----    Tamil Nadu Elections Results 2026 : કોલેજ ડ્રોપઆઉટથી કિંગમેકર સુધી, તમિલનાડુમાં વિજયનો મિજાજ, દિગ્ગજ પક્ષોના સુપડા સાફ