પશ્ચિમ બંગાળમાં બે તબક્કામાં મતદાન પૂર્ણ થયા બાદ ઇવીએમ મશીનોને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવી છે. કોલકાતાના નેતાજી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આવેલા સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ થયો હોવાનો આરોપ TMCના નેતાઓએ લગાવ્યો છે. આ મામલે વિરોધ નોંધાવવા TMC નેતા શશી પંજા અને કુણાલ ઘોષ સ્ટેડિયમ બહાર ધરણા પર બેઠા છે. માહિતી મુજબ, મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ આ વિરોધમાં જોડાઈ શકે છે.

https://twitter.com/ANI/status/2049871486492852474


પાર્ટીના પ્રતિનિધિઓની હાજરી વિના બેલેટ બોક્સ ખોલવાનો પ્રયાસ

TMC નેતાઓએ આરોપ લગાવ્યો છે કે ભાજપ અને ચૂંટણી અધિકારીઓ પાર્ટીના પ્રતિનિધિઓની હાજરી વિના બેલેટ બોક્સ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા છે. કુણાલ ઘોષે જણાવ્યું કે લાઈવસ્ટ્રીમિંગ અને CCTVમાં કેટલાક લોકો અંદર કામ કરતા દેખાઈ રહ્યા છે, પરંતુ TMCનો કોઈ પ્રતિનિધિ ત્યાં હાજર નથી અને તેમને અંદર જવા દેવામાં આવતું નથી. બીજી તરફ, શશિ પાંજાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહેવી જોઈએ અને કોઈ ગેરરીતિ ન થાય તેની ખાતરી કરવી જરૂરી છે.

4 મેના રોજ મતગણતરી યોજાશે

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન ગયા બુધવારે પૂર્ણ થયું હતું અને ત્યારબાદ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં સીલ કરવામાં આવ્યા હતા. હવે 4 મેના રોજ મતગણતરી યોજાશે, જેના માટે રાજ્યમાં કુલ 77 કાઉન્ટિંગ સેન્ટર્સ બનાવવામાં આવ્યા છે. મમતા બેનર્જીએ પાર્ટી કાર્યકરોને અપીલ કરી છે કે મતગણતરી પહેલા સ્ટ્રોંગ રૂમ પર નજર રાખે અને કોઈપણ ગડબડને અટકાવવા સતર્ક રહે.

આ પણ વાંચો : Madhya Pradesh : જબલપુર-બરગી ડેમમાં પ્રવાસીઓથી ભરેલું ક્રૂઝ ડૂબ્યું, 4 લોકોના થયા મોત