મધ્યપ્રદેશના જબલપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક દુર્ઘટના બની છે. બરગી ડેમમાં પ્રવાસીઓથી ભરેલું એક ક્રૂઝ બોટ અચાનક ડૂબી ગયું. આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને રેસ્ક્યુ કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી. મળતી માહિતી મુજબ દુર્ઘટના સમયે ક્રૂઝમાં અંદાજે 30 લોકો સવાર હતા, જેમાં પ્રવાસીઓ ઉપરાંત ક્રૂ સભ્યો પણ સામેલ હતા.
બાકી રહેલા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ
બોટ ડેમના પાણીમાં ફરતી વખતે અચાનક સંતુલન ગુમાવી બેસી અને થોડી જ ક્ષણોમાં પાણીમાં ડૂબી ગઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પ્રશાસન અને રેસ્ક્યુ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ. આ સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધીમાં આ દુર્ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 15 લોકોને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી છે. બાકી રહેલા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. સ્થાનિક ડાઈવર્સ અને આપત્તિ પ્રતિસાદ ટીમ (SDRF) દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે.
કેવી રીતે દુર્ઘટના ઘટી?
અધિકારીઓના જણાવ્યા મુજબ, ક્રૂઝમાં ઓવરલોડિંગ હતું કે ટેક્નિકલ ખામી હતી તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ બોટની સુરક્ષા વ્યવસ્થા અને પરવાનગી સંબંધિત દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાથી પ્રવાસન ક્ષેત્રે સુરક્ષા વ્યવસ્થાઓ પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. બરગી ડેમ જબલપુરનો એક લોકપ્રિય પ્રવાસન સ્થળ છે, જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લે છે. આવી દુર્ઘટના બાદ સ્થાનિક પ્રશાસને તમામ બોટિંગ પ્રવૃત્તિઓની સમીક્ષા કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. રેસ્ક્યુ ટીમો હજુ પણ બાકી રહેલા લોકોની શોધમાં લાગી છે અને મૃતકોની ઓળખ પ્રક્રિયા પણ ચાલુ છે. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
આ પણ વાંચો : Haryanaમાં દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનું સફળ ટ્રાયલ કરાયું, સ્વચ્છ અને ગ્રીન ટેકનોલોજી તરફ એક મોટું પગલું
આ પણ વાંચો : Haryanaમાં દેશની પ્રથમ હાઈડ્રોજન ટ્રેનનું સફળ ટ્રાયલ કરાયું, સ્વચ્છ અને ગ્રીન ટેકનોલોજી તરફ એક મોટું પગલું
