આજના સમયમાં જ્યારે બજારમાં નકલી નોટોનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે સામાન્ય નાગરિકો માટે પોતાની મહેનતની કમાણીને સુરક્ષિત રાખવી એક મોટો પડકાર બની ગયો છે. ખાસ કરીને 100 રૂપિયાની નોટ, જેનો ઉપયોગ આપણે રોજિંદા વ્યવહારમાં સૌથી વધુ કરીએ છીએ, તેમાં છેતરપિંડી થવાની સંભાવના વધુ રહેલી છે. આ બાબતને ગંભીરતાથી લેતા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નાગરિકોને જાગૃત કરવા માટે એક મહત્વપૂર્ણ ચેતવણી જારી કરી છે. અસલી અને નકલી નોટ વચ્ચેનો તફાવત પારખવા માટે RBI એ 7 મુખ્ય સુરક્ષા ફીચર્સની ઓળખ સમજાવી છે.

7 બાબતો તપાસી લો

1. પારદર્શક રજિસ્ટર: નોટને પ્રકાશ તરફ પકડતા, ડાબી બાજુએ પારદર્શક સુરક્ષા ચિહ્નમાં '100' લખેલું સ્પષ્ટ દેખાવું જોઈએ.

2. દેવનાગરી લિપિ: અસલી નોટ પર '100'નું મૂલ્ય દેવનાગરી લિપિ (હિન્દી) માં લખાયેલું હોય છે, જે નકલી નોટોમાં ઘણીવાર ગેરહાજર હોય છે.

3. ગાંધીજીનું ચિત્ર: નોટના આગળના ભાગમાં મહાત્મા ગાંધીજીનું સ્પષ્ટ અને આબેહૂબ ચિત્ર હોય છે.

4.. સત્તાવાર ચિહ્નો: જમણી બાજુએ ગવર્નરની સહી, ગેરંટી ક્લોઝ અને ભારતીય રિઝર્વ બેંકનું પ્રતીક હોય છે, જે ખૂબ જ ઝીણવટપૂર્વક છાપવામાં આવે છે.

5. નંબર પેનલ: નોટના નીચેના જમણા ખૂણામાં અને ઉપરના ડાબા ખૂણામાં નંબર પેનલ હોય છે, જેમાં મોટા અક્ષરોમાં નંબર છપાયેલા હોય છે. અસલી નોટમાં આ ફોન્ટ એકદમ ચોકસાઈપૂર્વક હોય છે.

6. અશોક સ્તંભ: નોટની જમણી બાજુએ નીચેની તરફ અશોક સ્તંભનું રાષ્ટ્રીય પ્રતીક છાપેલું હોય છે.

7.. સુરક્ષા અને સ્પષ્ટતા: આ તમામ ચિહ્નો અને પ્રિન્ટિંગની ગુણવત્તા અસલી નોટમાં ખૂબ જ ઉચ્ચ સ્તરની હોય છે.

RBI ની આ સલાહ આપણને આર્થિક છેતરપિંડીથી બચાવવા માટે ખૂબ જ જરૂરી છે. કોઈ પણ અજાણી વ્યક્તિ પાસેથી પૈસા સ્વીકારતી વખતે ઉતાવળ કરવાને બદલે આ સાત સુરક્ષા ફીચર્સ તપાસવાની આદત પાડો. જો તમને કોઈ પણ નોટ શંકાસ્પદ જણાય, તો તેનો ઉપયોગ કરવાનું ટાળો. જાગૃત નાગરિક બનીને આપણે માત્ર આપણી જ નહીં, પરંતુ દેશની અર્થવ્યવસ્થાને પણ નકલી નોટોના દૂષણથી બચાવી શકીએ છીએ. હંમેશા યાદ રાખો કે, તમારી એક નાનકડી સાવધાની તમને મોટા આર્થિક નુકસાનથી બચાવી શકે છે.

આ પણ વાંચોઃ Xbox માં 3200 કર્મચારીઓની છટણી, માઇક્રોસોફ્ટનો મોટો નિર્ણય