ગેમિંગ ઉદ્યોગ માટે મંગળવારનો દિવસ એક મોટા આંચકા સમાન રહ્યો. ટેક દિગ્ગજ માઇક્રોસોફ્ટે તેના પ્રખ્યાત Xbox ગેમિંગ વિભાગમાં 3,200 કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે, જે કંપનીના ઇતિહાસની સૌથી મોટી છટણી માનવામાં આવે છે. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ કંપનીના ગેમિંગ બિઝનેસનું નબળું પ્રદર્શન અને વધતા જતા ખર્ચને અંકુશમાં લેવાનું છે.
1600 કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરાયા
Xbox ના સીઈઓ આશા શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક વિસ્તૃત પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. તેમણે સ્પષ્ટ કર્યું કે આ પુનર્ગઠનનો હેતુ વર્ષ 2027 સુધીમાં વ્યવસાયિક લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો અને ઓપરેશનલ કામગીરીને સરળ બનાવવાનો છે. કંપનીના આંકડા મુજબ, 1600 કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવામાં આવશે, જ્યારે બાકીના 1600 કર્મચારીઓને નાણાકીય વર્ષ 2027 સુધીમાં તબક્કાવાર છૂટા કરવામાં આવશે.
વેચાણના ઘટાડાને કારણે કઠોર નિર્ણય લેવા મજબૂર
ગેમિંગ ઉદ્યોગમાં ચાલી રહેલી મંદી અને Xbox ગેમિંગ પાસના વેચાણમાં થયેલા નોંધપાત્ર ઘટાડાને કારણે માઇક્રોસોફ્ટ આ કઠોર નિર્ણય લેવા મજબૂર બન્યું છે. આશા શર્માએ ઈમેલ દ્વારા કર્મચારીઓને જાણ કરતા જણાવ્યું હતું કે Xbox નો વર્તમાન નફાકારકતાનો દર અન્ય પ્લેટફોર્મની સરખામણીમાં 3 થી 10 ગણો ઓછો છે, જે કંપની માટે ચિંતાનો વિષય છે. ગેમિંગ પાસ, મલ્ટી-પ્લેટફોર્મ પબ્લિશિંગ અને સ્ટુડિયો એક્વિઝિશન પાછળ થયેલા ખર્ચની વસૂલાત કરવી કંપની માટે પડકારરૂપ બની રહી છે.
ફર્સ્ટ-પાર્ટી પોર્ટફોલિયોમાં પણ ફેરફાર કર્યા
આ મોટા ફેરફારના ભાગરૂપે માઇક્રોસોફ્ટે તેના ફર્સ્ટ-પાર્ટી પોર્ટફોલિયોમાં પણ ફેરફાર કર્યા છે. કમ્પલ્શન ગેમ્સ અને ડબલ ફાઈન પ્રોડક્શન્સ હવે સ્વતંત્ર એન્ટિટી તરીકે કામ કરશે, જ્યારે નિન્જા થિયરી અને અનડેડ લેબ્સને નવી માલિકી હેઠળ સ્થાનાંતરિત કરવામાં આવશે જેથી તેમના બાકી રહેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થઈ શકે. આ સાથે જ, વહીવટી સ્તરે પણ મોટો કાપ મૂકવામાં આવ્યો છે; કંપનીએ તેનું મેનેજમેન્ટ લેયર ૧૪ થી ઘટાડીને 5 કરી દીધું છે. કંપનીમાં ઓપરેશનલ કાર્યક્ષમતા લાવવા માટે હેલેન ચિયાંગને નવા ચીફ ઓપરેટિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
પ્રોફિટબિલિટી અને ખર્ચમાં કાપ પર વધુ ધ્યાન
આ છટણી માત્ર કર્મચારીઓ માટે જ નહીં, પરંતુ ગેમિંગ ઉદ્યોગના ભાવિ માટે પણ એક મોટું સંકેત છે. ટેક કંપનીઓ હવે ગ્રોથ કરતા પ્રોફિટબિલિટી અને ખર્ચમાં કાપ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેનું પરિણામ આજના આ ઐતિહાસિક નિર્ણયમાં જોવા મળ્યું છે.
આ પણ વાંચોઃ Trump સપના જોતા રહી ગયા અને PM મોદીએ કરી બતાવ્યું, મોદીની આંતરરાષ્ટ્રીય સન્માનોની ગાથા