એપ્રિલ 2025માં પહેલગામ આતંકવાદી હુમલો અને ઓપરેશન સિંદૂર બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધારો થયો હતો. આ સુરક્ષાને પગલે બંને દેશો વચ્ચેની અટારી વાઘા બોર્ડરને અનિશ્ચિત કાળ માટે બંધ કરી દેવામાં આવી હતી. જેને કારણે બંને દેશોના પરિવારો વચ્ચે થનારા લગ્નો પર સંકટના વાદળો ઘેરાયા હતા. પરંતુ લાંબી રાહ જોયા બાદ પણ જમીની માર્ગ બંધ રહેતા પ્રેમ અને લગ્નની આશાઓ ધૂંધળી બની ગઇ હતી. પરંતુ આજે જે સમાચાર સામે આવ્યા છે એને સાંભળીને ભલ ભલાના હોંશ ઉડી જાય. લગ્ન કરવા અને પ્રેમને પામવા માટે 150 દુલ્હન પાકિસ્તાનથી ભારત આવી.
વૈકલ્પિક માર્ગો દ્વારા દુલ્હન ભારત આવી
વાત એમ છે કે છેલ્લા કેટલાય સમયથી યુદ્ધના કારણે જે સરહદ બંધ કરી દેવામાં આવી હતી જેથી પાકિસ્તાની દુલ્હનો માટે ભારત આવવું અસંભવ બન્યુ હતુ.પરંતુ કહેવાય છે ને કે પ્રેમ પોતાનો રસ્તો આપમેળે જ શોધી લે છે. એમ અંદાજે 150 જેટલી પાકિસ્તાની દુલ્હન મસ્કત, કોલંબો, ઢાકા, દુબઇ અને કતાર જેવા દેશોમાંથી કનેક્ટિંગ ફ્લાઇટ્સના સહારે ઇન્ડિયા પહોંચી હતી. આ લાંબી અને ખર્ચાળ મુસાફરી કરીને પણ આ યુવતીઓ પોતાના પ્રેમને પામવા માટે નાગપુર, જોધપુર, અમદાવાદ, રાયપુર, પુણે અને ભોપાલ જેવા શહેરોમાં પહોંચીને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.

સરકાર તરફથી મળી વિશેષ મંજૂરી
આ કપરા સમયમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને સિંધના એક આદરણીય ધાર્મિક સ્થળના સંયુક્ત પ્રયાસોથી આ યાત્રાઓ માટે વિશેષ પરવાનગી આપવામાં આવી હતી. દુલ્હનોની સાથે તેમના કેટલાક સંબંધીઓને પણ ભારત આવવાની છૂટ મળી હતી, શરત માત્ર એટલી હતી કે લગ્ન એક સરળ સમારોહ તરીકે થાય અને નિર્ધારિત સમયમર્યાદામાં તેઓ પાકિસ્તાન પરત ફરે. અહેવાલો મુજબ, આ વર્ષે એપ્રિલથી જૂન દરમિયાન અંદાજે 450 જેટલા સંબંધીઓ આ દુલ્હનો સાથે ભારત આવ્યા હતા.
હૃદયસ્પર્શી વાસ્તવિકતાઓ અને સંઘર્ષ
આ મુસાફરી કોઈ પરીકથા જેવી સરળ નહોતી. ઉદાહરણ તરીકે, ઇન્કેશ જશ્નાની સાથે સગાઈ કરનાર આરતી સિંધના ખાનપુર તહસીલથી આવી હતી. મે 2025 માં જ્યારે અટારી ગેટ બંધ થયો ત્યારે તે વાઘા બોર્ડરથી માત્ર એક જ કિલોમીટર દૂર હતી, પરંતુ સરહદ બંધ હોવાથી પરત ફરવું પડ્યું હતું. આખરે એક વર્ષથી વધુ સમયની અનિશ્ચિતતા બાદ તે મસ્કત થઈને નાગપુર પહોંચી અને લગ્ન કર્યા, જોકે વિઝા નિયંત્રણોને કારણે તેના માતા-પિતા આ ખુશીના પ્રસંગમાં હાજર રહી શક્યા નહોતા. તેવી જ રીતે, કાજલ અને સંજના જેવી અનેક યુવતીઓએ કરાચીથી મસ્કત અને દિલ્હી થઈને ભારત સુધીની લાંબી સફર ખેડી હતી. આ ઘટના સાબિત કરે છે કે સરહદોની દિવાલો ભલે ગમે તેટલી મજબૂત હોય, પરંતુ સાચો પ્રેમ તમામ અવરોધોને પાર કરીને પોતાની મંઝિલ મેળવી જ લે છે.
આ પણ વાંચોઃ Guinea Waste Dump Collapse: કોનાક્રીમાં લેન્ફિલ પર ભૂસ્ખલન, 30 લોકોના મોત