ગિનીની રાજધાની કોનાક્રીમાં રવિવારે સવારે આશરે 2 વાગ્યાની આસપાસ ભારે વરસાદને કારણે આ દુર્ઘટના ઘટી. જેમાં ૩૦ લોકોના મોત અને 6 ગંભીર રીતે ઘાયલ અને અનેક કાચા મકાનો તથા ઝૂંપડપટ્ટીઓ કચરા નીચે દટાઈ ગઈ.કાટમાળ નીચે ફસાયેલા કે જીવિત બચેલા લોકોને શોધવા માટે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.

તંત્રની બેદરકારી અને સ્થળાંતરની સમસ્યા

મિલિટરી એન્જિનિયરિંગ બટાલિયનના સેનિટેશન ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ બાલ્ડે મામાદૌ બૈલોએ જણાવ્યું હતું કે શહેરની આ સૌથી મોટી ખુલ્લી કચરાની ડમ્પિંગ સાઇટ રવિવારે બંધ રહેવાની હતી. જો કે, પ્રકૃતિના પ્રકોપ અને ભારે વરસાદના કારણે કચરાના વિશાળ પર્વત જેવો ઢગલો ધસી પડ્યો હતો.

અગાઉ સ્થળાંતરની અપાઇ હતી સૂચના

અધિકારીઓના જણાવ્યા મુજબ, લેન્ડફિલની આસપાસ જોખમી વિસ્તારમાં રહેતા લોકોને અગાઉથી જ સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી હતી. આ ચેતવણીને પગલે કેટલાક લોકોએ વિસ્તાર ખાલી પણ કરી દીધો હતો, પરંતુ આર્થિક મજબૂરી કે અન્ય કારણોસર હજુ પણ ઘણા પરિવારો ત્યાં રહેતા હતા જેઓ આ કુદરતી અને માનવસર્જિત આફતનો ભોગ બન્યા.

ખનિજ સંપત્તિ અને ગરીબીનો વિરોધાભાસ

આ ઘટનાએ ગિની દેશની આર્થિક વિષમતા તરફ પણ ધ્યાન ખેંચ્યું છે. ગિની ભલે ખનિજ સંપત્તિની દ્રષ્ટિએ અત્યંત સમૃદ્ધ દેશ હોય.જ્યાં વિશ્વનો સૌથી મોટો બોક્સાઈટ ભંડાર તેમજ આયર્ન ઓર, સોનું અને હીરા જેવા કિંમતી ખનિજો વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. તેમ છતાં વિશ્વ બેંકના આંકડા મુજબ દેશની ૪૩.૭% વસ્તી રાષ્ટ્રીય ગરીબી રેખા નીચે જીવન જીવવા મજબૂર છે. આ જ ગરીબી અને આવાસના અભાવે લોકોને લેન્ડફિલ જેવા જોખમી વિસ્તારોમાં વસવાટ કરવાની ફરજ પડે છે.

સરકારની પ્રતિક્રિયા

ઘટનાની ગંભીરતાને જોઈને ગિનીના પ્રાદેશિક વહીવટ અને વિકેન્દ્રીકરણ મંત્રી ડાયનેબો ટુરે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે સ્થિતિનો તાગ મેળવતા નિવેદન આપ્યું હતું કે, "અમે ખાતરી કરીશું કે અહીંના બધા પરિવારો અને હજુ સુધી બાકી રહેલા કોઈપણ પરિવારને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે." હાલમાં પ્રશાસન દ્વારા રાહત અને પુનર્વવાસની કામગીરીને વેગ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ US-Iran Conflict: શાંતિ પ્રયાસોને નવી ગતિ? અસીમ મુનીરની તેહરાન મુલાકાત પર દુનિયાની નજર