મહારાષ્ટ્રના ચકચારી કેતન અગ્રવાલ હત્યા કેસે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. 26 વર્ષીય કેતન અગ્રવાલનું 18 જૂનના રોજ લોહાગઢ કિલ્લા પાસે કોતરમાં પડી જવાથી મૃત્યુ થયું હતું, જેને શરૂઆતમાં એક અકસ્માત માનવામાં આવતો હતો. પરંતુ કેતનની મંગેતર સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીના ડિજિટલ પુરાવાઓએ આ મામલાને હત્યામાં ફેરવી દીધો છે.


પ્રેમી સાથે કરેલા ફોન કોલ્સે શંકા ગહેરાવી

ઘટનાના ચાર દિવસ પછી જ્યારે સિયા કેતનના પરિવારને મળી, ત્યારે તેના નિવેદનોમાં રહેલી વિસંગતતાઓએ કેતનની બહેનને શંકાના દાયરામાં મૂકી દીધી હતી. પરિવારની ફરિયાદ બાદ પોલીસે જ્યારે તપાસ શરૂ કરી, ત્યારે જે હકીકતો સામે આવી તે આઘાતજનક હતી. સિયા અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ છેલ્લા છ મહિનામાં 2004 જેટલા ફોન કોલ્સ કર્યા હતા, જેનો કુલ સમયગાળો 238 કલાકનો હતો. આટલી મોટી માત્રામાં થયેલી વાતચીત સ્પષ્ટપણે એક ઊંડા કાવતરાનો સંકેત આપી રહી હતી.

ચેતને પોલીસને ગુમરાહ કરવા રચ્યું કાવતરૂં

તપાસ દરમિયાન પોલીસને ચેતનના મોબાઇલ ડેટામાંથી એક મહત્વનો પુરાવો મળ્યો. ઘટનાના દિવસે સવારે 7 વાગ્યાથી સાંજના 5.40 વાગ્યા સુધી ચેતનનો ઇન્ટરનેટ ડેટા સંપૂર્ણ બંધ હતો. ચેતને પોલીસને છેતરવા માટે જાણી જોઈને પોતાનો ફોન દુકાન પર મૂક્યો હતો અને તે તેના એક કર્મચારીના ફોન સાથે લોહાગઢ પહોંચ્યો હતો. પોલીસને તે સમયે લોકેશન મળી ન શકે તે માટે તેણે કરેલો આ પ્રયાસ ઉલટો તેને જ મુશ્કેલીમાં મુકી ગયો. ડિજિટલ ફૂટપ્રિન્ટ્સે સાબિત કર્યું કે તે ત્યાં હાજર હતો અને સમગ્ર કાવતરું સિયા સાથે મળીને ઘડ્યું હતું.

29 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયા 

આ કેસમાં આરોપી સિયા અને ચેતનને 29 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે. જોકે, કાયદાકીય લડાઈ પણ તેજ બની છે. ચેતનના વકીલ રામ શહાણેએ દાવો કર્યો છે કે FIRમાં ચેતન વિરુદ્ધ કોઈ સીધા કે નક્કર પુરાવા નથી. વકીલના મતે, માત્ર સિયા સાથેના સંબંધોને કારણે તેને આરોપી બનાવવામાં આવ્યો છે. વકીલનો દાવો છે કે ઘટનાસ્થળે ચેતનની હાજરી સાબિત કરવા માટે પોલીસ પાસે કોઈ CCTV ફૂટેજ કે અન્ય કોઈ દસ્તાવેજી પુરાવા નથી. હાલમાં, આ કેસ માત્ર એક પ્રેમત્રિકોણનો નથી રહ્યો, પરંતુ એક આયોજિત હત્યાનો બની ગયો છે. ડિજિટલ પુરાવા અને આરોપીઓના નિવેદનો વચ્ચે ચાલી રહેલો આ સંઘર્ષ હવે કોર્ટમાં કઈ દિશા લેશે, તેના પર સૌની નજર છે.

આ પણ વાંચોઃ Bihar-Maharashtra વચ્ચે 27 જૂનથી દોડશે નવી અમૃત ભારત ટ્રેન, જાણી લો સમગ્ર ટાઈમટેબલ

  • Follow us on: