ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને પત્ર લખીને દાવો કર્યો છે કે દેશમાં લોકશાહી ખતરામાં છે.તેમણે ચૂંટણી પ્રક્રિયા અને એસઆઈઆર અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે જ્યારે તમામ સરકારી સંસ્થાઓ નિષ્ફળ જાય છે ત્યારે નાગરિકો માટે અંતિમ આશા માત્ર ન્યાયતંત્ર જ હોય છે.ગત 28 જૂનના રોજ વિપક્ષના 23 પક્ષોના નેતાઓએ આ પત્ર લખ્યો હતો.કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે,લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી,મમતા બેનર્જી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ અને અન્ય ઘણા નેતાઓએ આ પત્ર પર હસ્તાક્ષર કર્યા છે.
નિષ્પક્ષ ચૂંટણીઓને લોકશાહી વ્યવસ્થાનો પાયો
આ પત્રમાં નેતાઓએ કહ્યું કે તેઓ સામાન્ય સંજોગોમાં ન્યાયતંત્રને આ પ્રકારનો પત્ર નથી લખતા પરંતુ તેમને લાગે છે કે દેશની લોકશાહી ખતરામાં છે અને તેથી જ તેમણે આ અસાધારણ પગલું ભર્યું છે. તેમણે કહ્યું કે સંસદ, ન્યાયતંત્ર, મીડિયા અને કાર્યપાલિકા લોકશાહીના મુખ્ય સ્તંભો છે અને આ સંસ્થાઓ વચ્ચે સહયોગી વ્યવસ્થાથી જ લોકશાહી મજબૂત રહી શકે છે.તેમણે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓને લોકશાહી વ્યવસ્થાનો પાયો ગણાવતા કહ્યું કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ જનતાની સાચી ઈચ્છાને પ્રભાવિત કરી શકે છે.
મતદારો તેમના મતાધિકારથી વંચિત રહેવાની આશંકા
પત્રમાં ચૂંટણી પંચ અને ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા હાથ ધરવામાં આવી રહેલી મતદાર યાદીઓની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.વિપક્ષી નેતાઓએ આરોપ લગાવ્યો કે બિહારમાં શરૂ કરાયેલી આ પ્રક્રિયાનો હેતુ મતદાર યાદીની શુદ્ધતા સુનિશ્ચિત કરવાનો હોવાનું જણાવાયું હતું.પરંતુ તેના અમલીકરણને કારણે મોટી સંખ્યામાં મતદારો તેમના મતાધિકારથી વંચિત રહેવાની આશંકા ઊભી થઈ છે.પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે દસ્તાવેજ આધારિત વેરિફિકેશન પ્રક્રિયા ગરીબો,અભણ, દલિતો, આદિવાસીઓ, લઘુમતીઓ અને સ્થળાંતરિત મજૂરો માટે બહિષ્કાર કરનારી સાબિત થઈ છે.
તેમનો હેતુ કોઈ પેન્ડિંગ કેસને પ્રભાવિત કરવાનો નથી
તેમાં એવો પણ આરોપ છે કે SIR પ્રક્રિયા દરમિયાન વહીવટી મૂંઝવણ, પારદર્શિતાનો અભાવ અને નિયમોમાં વારંવાર ફેરફાર જેવી સમસ્યાઓ સામે આવી છે. ઈન્ડિયા ગઠબંધનના નેતાઓએ પત્રમાં કહ્યું છે કે જ્યારે અન્ય તમામ સંસ્થાકીય વ્યવસ્થાઓ નિષ્ફળ જાય છે ત્યારે લોકો ન્યાયતંત્રમાં અંતિમ વિશ્વાસ રાખે છે.તેમણે ન્યાયતંત્ર પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે તેમનો હેતુ કોઈ પેન્ડિંગ કેસને પ્રભાવિત કરવાનો નથી પરંતુ લોકશાહી સંસ્થાઓમાં જનતાનો વિશ્વાસ મજબૂત કરવાનો છે. પત્રના અંતમાં નેતાઓએ કહ્યું કે જો ન્યાયતંત્ર પણ લોકોની ચિંતાઓના ઉકેલ લાવવામાં નિષ્ફળ રહે તો એ પ્રશ્ન ઊભો થાય છે કે નાગરિકો આખરે કઈ સંસ્થા તરફ ધ્યાન આપશે?
આ પણ વાંચોઃ Gujarat Weather: આજે રાત્રે 10 વાગ્યા સુધીમાં ચાર જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ