ડિજિટલ મીડિયા અને OTT પ્લેટફોર્મ પર વધતા વાંધાજનક કન્ટેન્ટને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. લોકસભામાં સરકારે ડિજિટલ પ્લેટફોર્મ્સને નિયંત્રિત કરવા માટે લેવામાં આવેલા પગલાં અંગે માહિતી આપી હતી. માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગને જણાવ્યું કે IT નિયમો, 2021 હેઠળ ડિજિટલ સ્પેસને સુરક્ષિત અને જવાબદાર બનાવવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે.
અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ પ્રસારિત કરવાનો આરોપ
સરકારે છેલ્લા બે વર્ષમાં 50 OTT પ્લેટફોર્મ્સને ભારતમાં જાહેર ઍક્સેસ માટે બ્લોક કર્યા છે. આ પ્લેટફોર્મ્સ પર અશ્લીલ અને વાંધાજનક કન્ટેન્ટ પ્રસારિત કરવાનો આરોપ હતો. સરકારના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી IT એક્ટ, ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 294 અને મહિલાઓના અશ્લીલ પ્રતિનિધિત્વ (નિષેધ) અધિનિયમ, 1986 હેઠળ કરવામાં આવી છે.
ત્રણ સ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થા પણ લાગુ
સરકારે ડિજિટલ કન્ટેન્ટ અંગે ફરિયાદો માટે ત્રણ સ્તરીય ફરિયાદ નિવારણ વ્યવસ્થા પણ લાગુ કરી છે. પ્રથમ તબક્કામાં ફરિયાદ સીધી કન્ટેન્ટ પબ્લિશર પાસે પહોંચશે. જો ત્યાં ઉકેલ ન મળે તો બીજા તબક્કામાં પબ્લિશર્સની સ્વ-નિયમનકારી સંસ્થા મામલો જોશે. ત્યારબાદ પણ ઉકેલ ન આવે તો કેન્દ્ર સરકારની દેખરેખ વ્યવસ્થા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત ફેક ન્યૂઝ રોકવા માટે સરકારે ફેક્ટ ચેક યુનિટ (FCU)ની રચના કરી છે. આ યુનિટ સરકારી યોજનાઓ અને નિર્ણયો સંબંધિત માહિતીની ચકાસણી કરીને સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે.
આ નિયમોનો હેતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક લગાવવાનો નથી
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિયમોનો હેતુ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર રોક લગાવવાનો નથી, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ્સ પર જવાબદારી સુનિશ્ચિત કરવાનો છે. IT નિયમો, 2021 હેઠળ ડિજિટલ ન્યૂઝ અને OTT પબ્લિશર્સ માટે આચાર સંહિતા પણ બનાવવામાં આવી છે, જેથી કાયદાની મર્યાદામાં રહીને સ્વતંત્ર અભિવ્યક્તિને પ્રોત્સાહન મળી શકે.
આ પણ વાંચો : Indian Monsoon: ફેબ્રુઆરી 2027 સુધી રહી શકે છે El Nino, Jitendra Singhએ લોકસભામાં આપી ચેતવણી