દેશની રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે સોમવારે કાર બ્લાસ્ટમાં નવી થિયરી સામે આવી છે. જમ્મુ કાશ્મીર પોલીસની એક વાયરલ પોસ્ટ બાદ ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે આતંકી ડોક્ટર ઉમર હડબડી એટલે કે ઉતાવળમાં હતો.
પોલીસનું એક ટ્વિટ અને ઉમર થયો પેનિક
જમ્મુ કાશ્મીર પોલીસે 10 નવેમ્બરે રાત્રે ટ્વિટ કર્યું હતું કે 'You can run but you can't hide'આ ટ્વિટના થોડા સમય બાદ જ દિલ્હીમાં ફરીદાબાદ આતંકી મોડ્યુલ સાથે જોડાયેલા ઉમરની કારમાં જોરદાર બ્લાસ્ટ થયો. ઉમર જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાયેલા આતંકવાદી મોડ્યુલનો ભાગ હતો. તે જમ્મુ અને કાશ્મીર પોલીસથી બચીને દિલ્હી આવ્યો હોવાનું કહેવાય છે.
ગભરાટમાં અથવા આકસ્મિક વિસ્ફોટ હોવાની શંકા
વિસ્ફોટ પ્લાન્ટેડ બોમ્બ નહીં પણ ગભરાટ અથવા આકસ્મિક વિસ્ફોટ હોવાની શંકા છે. પ્રારંભિક તપાસ સૂચવે છે કે લાલ કિલ્લાની નજીક પાર્કિંગમાં છુપાઈ જવાનો પ્રયાસ કરી રહેલા ઉમરે પોલીસનું ટ્વિટ વાંચીને ડરી ગયો અને કાર ચલાવી હતી, જેના કારણે વિસ્ફોટ થયો હતો.
2900 કિલો વિસ્ફોટક સામગ્રી કરી હતી જપ્ત
સૂત્રોના જણાવ્યા અનુસાર વિસ્ફોટના થોડા કલાકો પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસે હરિયાણા પોલીસની મદદથી ફરીદાબાદમાં 2,900 કિલો વિસ્ફોટકો, એસોલ્ટ રાઇફલ્સ અને એક મુખ્ય આતંકવાદી મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. ઉમરને પકડાઇ જવાનો સતત ડર હોવાથી તે દબાણમાં હતો. તપાસ એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી પ્રારંભિક તપાસમાં સૂચવવામાં આવ્યું છે કે વિસ્ફોટ પહેલેથી આયોજિત ન હતો. પરંતુ ડરને કારણે ઉતાવળ અને પ્રેશર અનુભવતો હોવાને કારણે થયો હતો.
વિસ્ફોટમાં વપરાયેલી i20 કાર અંગે એક મુખ્ય સંકેત
લાલ કિલ્લા નજીક વિસ્ફોટમાં વપરાયેલી સફેદ i20 કાર અંગે તપાસમાં એક મુખ્ય સંકેત બહાર આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે કાર લગભગ દસ દિવસ પહેલા પેટ્રોલ પંપ પાસે જોવા મળી હતી. CCTV ફૂટેજ અનુસાર, 29 ઓક્ટોબરના રોજ સાંજે 4:20 વાગ્યે કારનું પ્રદૂષણ તપાસ (PUC) ચાલી રહ્યું હતું. વીડિયોમાં ત્રણ લોકો જોવા મળે છે. એક વ્યક્તિ કાર ચલાવતો જોવા મળે છે, જ્યારે બે અન્ય લોકો પાછળથી કારમાં બેઠેલા જોવા મળે છે. તપાસ એજન્સીઓ હવે આ ત્રણ વ્યક્તિઓની ઓળખ કરવા માટે કામ કરી રહી છે. અધિકારીઓ કહે છે કે વિસ્ફોટના કાવતરા સાથે સંકળાયેલી કડીને સમજવામાં તેમની ઓળખ મહત્વપૂર્ણ સાબિત થશે.