આમ આદમી પાર્ટી (AAP)ના દાવા મુજબ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પેરિસથી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને દિલ્હી એરપોર્ટ પર મોડી રાત્રે રોકી રાખવામાં આવ્યા હતા. પાર્ટીના મીડિયા ઇન્ચાર્જ બલતેજ પન્નુએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી માન પંજાબના ઉત્પાદનોના પ્રચાર માટે પેરિસ ગયા હતા. પરત ફરતી વખતે તેમને એરપોર્ટ પર રોકી દેવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર બલતેજ પન્નુએ કહ્યું, "વડાપ્રધાન પંજાબના લોકોનું અપમાન કરવાની એક પણ તક ચૂકતા નથી. મુખ્યમંત્રી ભગવંત માનને રાત્રિના સમયે દિલ્હી એરપોર્ટ પર ત્રણ કલાક સુધી રોકી રાખવામાં આવ્યા. આ પાછળનો અસલી રોષ એ હતો કે, વડાપ્રધાનના વિરોધ છતાં અને કોર્ટના આદેશનું પાલન કરીને તેઓ પેરિસ કેમ ગયા? એટલું જ નહીં, તેમને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો."
'પેરિસમાં મુખ્યમંત્રી માનને યોગ્ય સન્માન ન મળ્યું'
પોતાની નારાજગી વ્યક્ત કરતા પંજાબ AAPના મહાસચિવ અને મીડિયા ઇન્ચાર્જ બલતેજ પન્નુએ કહ્યું, "પહેલા તો તેમણે મુખ્યમંત્રી ભગવંત માનની વિદેશ યાત્રામાં અવરોધો ઊભા કર્યા અને પછી જ્યારે તેઓ પંજાબ પરત ફર્યા ત્યારે પણ આવું જ કર્યું તે પણ કોઈ પણ યોગ્ય કારણ વગર. તેમણે ભારતીય દૂતાવાસના અધિકારીઓને એવી સૂચના પણ આપી હતી કે મુખ્યમંત્રી માનને તે સન્માન અને પ્રોટોકોલ ન આપવામાં આવે જેના તેઓ હકદાર છે. વધુમાં, પરત ફર્યા ત્યારે તેમને ત્રણ કલાક સુધી પરેશાન કરવામાં આવ્યા અને 50 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. જેને પાછળથી 'દબાણ'ના બહાના હેઠળ યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કરાયો. આ બધું માત્ર એટલા માટે થયું કારણ કે ભગવંત માન પંજાબના મુખ્યમંત્રી છે." બલતેજ પન્નુએ વધુમાં જણાવ્યું કે, "ખેડૂતો દોઢ વર્ષ સુધી સરહદો પર અટવાયેલા રહ્યા અને પંજાબ માટે ફાળવવામાં આવેલા અનેક ભંડોળ અટકાવી દેવામાં આવ્યા. આ ઉપરાંત, પંજાબના મુખ્યમંત્રીને વિદેશ પ્રવાસ કરવાની મંજૂરી ન આપવામાં આવી એક વાર નહીં, પરંતુ ચાર અલગ-અલગ પ્રસંગોએ આમ કરવામાં આવ્યું. કેન્દ્ર સરકાર નથી ઈચ્છતી કે પંજાબના મુખ્યમંત્રી વિદેશી ભંડોળ મેળવે, જેનાથી રાજ્યને લાભ થઈ શકે." પક્ષના નેતાએ ઉમેર્યું, "મુખ્યમંત્રી માન હાઈકોર્ટના નિર્દેશો બાદ વિદેશ પ્રવાસે ગયા હતા; કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે તેઓ સ્થાપિત પ્રોટોકોલ મુજબ આ પ્રવાસ કરી શકે છે. આમ છતાં, ત્યાંના અધિકારીઓ તેમને મળવા પણ આવ્યા ન હતા. પંજાબના મુખ્યમંત્રી વિશ્વના બીજા સૌથી મોટા ફૂડ ફેસ્ટિવલમાં રાજ્યના ઉત્પાદનો રજૂ કરવા પેરિસ ગયા હતા. તેમનો ઉદ્દેશ્ય પંજાબના રાજમા અને છોલેને વૈશ્વિક સ્તરે રજૂ કરવાનો હતો."
https://www.instagram.com/reel/Det5he-TNqC/?utm_source=ig_web_button_share_sheet
AAPના મીડિયા ઇન્ચાર્જે દાવો કર્યો કે પંજાબના મુખ્યમંત્રીને એરપોર્ટ પર કોઈપણ યોગ્ય કારણ વગર ત્રણ કલાક સુધી અટકાવી રાખવામાં આવ્યા હતા. વિવિધ બહાના કાઢવામાં આવ્યા. જેમ કે તેમનો સામાન મોડો આવ્યો છે, તે ટ્રાન્ઝિટમાં છે અથવા તેની તપાસ ચાલી રહી છે. ત્રણ કલાક પછી, જ્યારે તેમને જવાની પરવાનગી આપવામાં આવી, ત્યારે એક અધિકારીએ આવીને કહ્યું કે ઉપરથી ભારે દબાણ છે અને 'ચલણ' (દંડ) કાપવું જ પડશે. ત્યારબાદ, તેમના પર 50,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. શું અગાઉ ક્યારેય એવું બન્યું છે કે કોઈ રાજ્યના મુખ્યમંત્રીને એરપોર્ટ પર ત્રણ કલાક સુધી રોકી રાખવામાં આવ્યા હોય અને તેમના પર દંડ લાદવામાં આવ્યો હોય? આ માત્ર એટલા માટે થયું કારણ કે તેઓ પંજાબના મુખ્યમંત્રી છે, પંજાબી છે અને પંજાબની ભલાઈ માટે કંઈક કરવા માંગે છે. કેન્દ્ર સરકાર નથી ઈચ્છતી કે પંજાબ કોઈ પણ ક્ષેત્રમાં પ્રગતિ કરે.
આ પણ વાંચો: India-US ટ્રેડ ડીલ ખૂબ જ નજીક, ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું આ વખતે ડીલ અલગ પ્રકારની હશે
