આયોગનું કહેવું છે કે આ અભિયાનનો હેતુ મતદાર યાદીને સ્વચ્છ અને ચોક્કસ બનાવવાનો છે. તેમાં ગેરહાજર, સ્થળાંતરિત, મૃત, ડબલ નોંધાયેલા અને અન્ય અયોગ્ય મતદારોના નામ હટાવવામાં આવ્યા છે, જેથી નકલી મતદાનની શક્યતા ઘટે.
SIRનો પહેલો તબક્કો બિહારમાં શરૂ થયો હતો
આયોગે જણાવ્યું કે SIRનો પહેલો તબક્કો બિહારમાં શરૂ થયો હતો. ત્યારબાદ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને તમિલનાડુ સહિત 11 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં આ અભિયાન ચલાવવામાં આવ્યું. અભિયાન દરમિયાન કુલ 51 કરોડ મતદારોની તપાસ કરવામાં આવી, જેમાંથી 10.2% નામ ગેરહાજર, મૃત અથવા નકલી હોવાનું જણાતા હટાવવામાં આવ્યા. આ પ્રક્રિયામાં અંદમાન-નિકોબારથી લઈને કેરળ સુધીના ચૂંટણી ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું અને લાખો નવા નામો પણ ઉમેરવામાં આવ્યા.
અંડમાન-નિકોબારમાં સૌથી વધુ નામ કપાયા
આંકડા મુજબ, અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહમાં સૌથી વધુ 16.6% નામ દૂર કરવામાં આવ્યા. ત્યારબાદ ઉત્તર પ્રદેશમાં 13.2% અને ગુજરાતમાં 13.1% નામ કાપવામાં આવ્યા. છત્તીસગઢમાં 11.3% અને પશ્ચિમ બંગાળમાં 10.9% નામો દૂર થયા, જ્યાં 27 લાખથી વધુ નામ ન્યાયિક પ્રક્રિયા દ્વારા કાઢવામાં આવ્યા.
ઘણા લોકોએ ક્યારેય મતદાન કર્યું જ નથી
SIR અભિયાન દરમિયાન જાણવા મળ્યું કે 13 કરોડ લોકો તેમના નોંધાયેલા સરનામે હાજર નહોતા, જ્યારે 3.1 કરોડ લોકો અન્ય રાજ્યોમાં સ્થળાંતરિત થઈ ગયા હતા. ઉપરાંત લગભગ 6.5 કરોડ લોકો એવા હતા જેમણે ક્યારેય મતદાન કર્યું નહોતું, જેના કારણે નકલી મતદાનની શક્યતા વધતી હતી. તેમને દૂર કરતા મતદાર યાદી વધુ શુદ્ધ અને ચોક્કસ બની છે.
હવે આ 12 પ્રદેશોમાં શુદ્ધિકરણ પછી કુલ 45.8 કરોડ મતદારો નોંધાયેલા છે. પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં અનુક્રમે 20.9% અને 10% ઘટાડો નોંધાયો, જ્યારે પુડુચેરીમાં 1% ઘટાડો જોવા મળ્યો. મધ્ય પ્રદેશમાં 5.7%, રાજસ્થાનમાં 5.4%, કેરળમાં 2.5% અને લક્ષદ્વીપમાં 0.3% મતદારોની સંખ્યામાં ઘટાડો નોંધાયો.
યુપિમાં સૌથી વધુ નવા નામ ઉમેરાયા
ચૂંટણી આયોગે નામ દૂર કરવા સાથે સાથે લગભગ 2 કરોડ નવા મતદારોના નામ પણ ઉમેર્યા છે. તેમાં ઉત્તર પ્રદેશમાં 92.4 લાખ નવા મતદારો ઉમેરાયા છે, જે સૌથી વધુ છે. ત્યારબાદ તમિલનાડુમાં 35 લાખ, કેરળમાં 20.4 લાખ અને રાજસ્થાનમાં 15.4 લાખ નવા નામ ઉમેરાયા. મધ્ય પ્રદેશમાં 12.9 લાખ અને ગુજરાતમાં 12 લાખથી વધુ મતદારો ફોર્મ 6 અને ફોર્મ 8 દ્વારા નોંધાયા, જેના કારણે યુવાનોની ભાગીદારીમાં વધારો થયો છે.
આ પણ વાંચો: Earthquake: જમ્મુ-કાશ્મીરમાં ટોર્નેડો પછી ભૂકંપના ઝટકા, ધરતીની સપાટીથી 10 કિલોમીટર નીચે હતું કેન્દ્ર
