અગ્નિપથ યોજના હેઠળ ભરતી થયેલા અગ્નિવીરોના લગ્નને લઈને સરકારે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ચાર વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ બે વર્ષનું સેવા વિસ્તરણ મેળવનારા અગ્નિવીરો લગ્ન કરી શકશે. જોકે, તાલીમ પૂર્ણ કર્યા બાદ જ લગ્ન કરવાની મંજૂરી મળશે.
અગ્નિવીરોના લગ્નના નિયમોમાં મોટો ફેરફાર
અગ્નિપથ યોજના હેઠળ ભરતી થનારા અગ્નિવીરો માટે લગ્નના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ અગ્નિવીર તરીકે સેવા દરમિયાન લગ્ન કરવાની મંજૂરી નહોતી. જોકે, હવે બે વર્ષનું સેવા વિસ્તરણ મેળવનારા અગ્નિવીરોને લગ્ન કરવાની છૂટ મળશે.
આ માટે તેમણે તાલીમ પૂર્ણ કરવી પડશે. આ વ્યવસ્થાને 'Second Tour of Duty' કહેવામાં આવે છે. મીડિયા અહેવાલોમાં વિશ્વસનીય સૂત્રોના હવાલાથી આ માહિતી આપવામાં આવી છે. જોકે, હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
અગાઉ શું હતો નિયમ?
અગાઉના નિયમ મુજબ ભરતી સમયે અગ્નિવીરોનું અવિવાહિત હોવું ફરજિયાત હતું. આ ઉપરાંત ચાર વર્ષની સેવા દરમિયાન પણ તેઓ લગ્ન કરી શકતા નહોતા. હવે સેવા વિસ્તરણ મેળવનારા અગ્નિવીરોએ આશરે એક મહિનાની તાલીમ પૂર્ણ કર્યા બાદ લગ્ન કરવાની મંજૂરી મળી શકે છે.
પ્રથમ બેચને શું મળ્યું?
અગ્નિવીરોની પ્રથમ બેચે ચાર વર્ષની સેવા પૂર્ણ કરી છે. સૌથી પહેલાં નૌકાદળમાં અગ્નિવીરોની ભરતી કરવામાં આવી હતી. મેરિટના આધારે 25 ટકા અગ્નિવીરોને કાયમી કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના અગ્નિવીરોને બે વર્ષના સેવા વિસ્તરણનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
ટૂંક સમયમાં ભારતીય સેના અને વાયુસેનાની પ્રથમ બેચ પણ ચાર વર્ષની સેવા પૂર્ણ કરશે. તેમને પણ આ પ્રકારની તક આપવામાં આવશે.
4 નવેમ્બરે જ કેન્દ્રીય કેબિનેટે બે વર્ષના સેવા વિસ્તરણના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. આ વ્યવસ્થા હેઠળ છ વર્ષની સેવા બાદ 75 ટકા અગ્નિવીરોને કાયમી કરવાની શક્યતા અંગે પણ અહેવાલોમાં માહિતી આપવામાં આવી છે.
રજાના નિયમોમાં પણ થશે ફેરફાર?
અગ્નિવીરોની રજાના નિયમોમાં પણ ફેરફાર થઈ શકે છે. બે વર્ષના સેવા વિસ્તરણ દરમિયાન અગ્નિવીરોને અગાઉ કરતાં વધુ રજાઓ મળી શકે છે. અગાઉ એક વર્ષમાં 30 દિવસની રજા મળતી હતી, જ્યારે સેવા વિસ્તરણ બાદ વર્ષમાં 90 દિવસની રજા આપવાની શક્યતા છે.
સેનાનું ધ્યાન શિસ્તની સાથે જવાનોની પારિવારિક જવાબદારીઓ પર પણ રહેશે. સરકાર ટૂંક સમયમાં આ ફેરફારો અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે.
કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીમાં પણ અભ્યાસ કરશે અગ્નિવીરો
ભારતીય વાયુસેના અને દિલ્હીની કેન્દ્રીય સંસ્કૃત યુનિવર્સિટીએ વાયુસેનામાં સામેલ અગ્નિવીરો માટે યોગમાં વ્યવસ્થિત શિક્ષણ અને પ્રમાણપત્રની તક ઉપલબ્ધ કરાવવા માટે કરાર કર્યો છે. અધિકારીઓએ ગુરુવારે આ માહિતી આપી હતી. આ અંગે વાયુસેના મુખ્યાલયમાં સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:Mexico Violence: 46 કરોડના ઇનામી ડ્રગ માફિયાની ધરપકડ, મેક્સિકોમાં ગોળીબાર અને આગચંપી!