પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN) હેઠળ, દર વર્ષે દેશભરના લાખો ખેડૂતોના બેન્ક એકાઉન્ટમાં 6,000ની નાણાકીય સહાય સીધી ટ્રાન્સફર કરવામાં આવે છે. આ રકમ 3 હપ્તામાં આપવામાં આવે છે, જેમાં દર ચાર મહિને રૂપિયા 2,000 ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં સરકારે 20 હપ્તા જાહેર કર્યા છે અને 21મો હપ્તો ઓક્ટોબરમાં આવવાની અપેક્ષા છે.


જો કે, આ વખતે ઘણા ખેડૂતોના હપ્તામાં વિલંબ થઈ શકે છે. સરકારે સ્પષ્ટતા કરી છે કે કેટલાક ખેડૂતોને હાલ 21મો હપ્તો મળશે નહીં. તેનું કારણ છેતરપિંડીની સંભાવના અને અધૂરી પ્રક્રિયા છે. જે ખેડૂતોના હપ્તા બંધ થઈ ગયા છે તેમને યોજના હેઠળ લાભ મેળવવા માટે તેમના જરૂરી દસ્તાવેજોની ફિઝિકલ વેરિફિકેશન કરાવવાની જરૂર પડશે.

કોનો આગામી હપ્તો બંધ થશે?

પીએમ-કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર પોસ્ટ કરાયેલી તાજેતરની જાણકારી મુજબ કેટલાક કિસ્સાઓમાં એક જ પરિવારના અનેક સભ્યોને યોજના હેઠળ લાભ મળી રહ્યા છે, જે નિયમોની વિરુદ્ધ છે. વધુમાં ઘણા કિસ્સાઓ નોંધાયા છે જ્યાં ખેડૂતોએ 1 ફેબ્રુઆરી, 2019 પછી જમીન ખરીદી હતી, પરંતુ પાત્રતા દસ્તાવેજો અસંગત હોવાનું જાણવા મળ્યું છે. આ બધા કિસ્સાઓમાં સરકારે સંબંધિત ખેડૂતો માટે આગામી હપ્તો અસ્થાયી રૂપે રોકી દીધો છે. હવે, આ ખેડૂતો ફિઝિકલ વેરિફિકેશનમાંથી ના કરાવે ત્યાં સુધી લાભ મળશે નહીં.

ક્યારે મળશે 21મો હપ્તો?

વધુમાં, આ વખતે સરકારે e-KYC ફરજિયાત બનાવી દીધું છે. આનો અર્થ એ છે કે જે ખેડૂતોએ હજુ સુધી e-KYC પૂર્ણ કર્યું નથી તેમને તેમના 21મા હપ્તા મેળવવામાં વિલંબ થઈ શકે છે. તેથી, ખેડૂતોને શક્ય તેટલી વહેલી તકે તેમના e-KYC પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવી છે. વધુમાં તમારા આધાર કાર્ડને તમારા બેન્ક ખાતા સાથે લિંક કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે હપ્તાની ચુકવણી આધાર-આધારિત DBT (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા કરવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવાળી પહેલા ઓક્ટોબરમાં ખેડૂતોના ખાતામાં 21મો હપ્તો ટ્રાન્સફર થઈ શકે છે. આ વખતે લગભગ 10 કરોડ ખેડૂતોને ₹2,000 મળવાની અપેક્ષા છે.

  • Follow us on: