મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવારને હંમેશા એક શક્તિશાળી અને નિર્ણાયક નેતા તરીકે ઓળખવામાં આવ્યા. રાજ્યમાં સરકાર કોઈ પણ બનાવે, અજિત પવારનું નામ નાયબ મુખ્યમંત્રી પદ સાથે જ જોડાયેલું રહ્યું. બુધવારે સવારે બારામતી નજીક વિમાન દુર્ઘટનામાં તેમનું દુઃખદ અવસાન થયું હતું. આ અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ લોકોના મોત થયા હતા.

અજિત પવારનો જન્મ

અજિત પવારનો જન્મ 22 જુલાઈ, 1959ના રોજ અહમદનગર જિલ્લાના દેવલાલી પ્રવરામાં થયો હતો. તેઓ મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા શરદ પવારના ભાઈ અનંતરાવ પવારના પુત્ર હતા. બાળપણથી જ રાજકીય વાતાવરણમાં ઉછરેલા અજિત પવારે પોતાના કાકા શરદ પવારના માર્ગદર્શન હેઠળ રાજકારણના પાઠ શીખ્યા.

અજિત પવારનો રાજકારણમાં પ્રવેશ

અજિત પવારનો રાજકારણમાં પ્રવેશ 1982માં થયો, જ્યારે તેઓ એક સહકારી ખાંડ મિલના બોર્ડમાં ચૂંટાયા. ત્યારબાદ તેમણે સહકારી ક્ષેત્રમાં મજબૂત પાયો ઊભો કર્યો. 1991માં તેઓ પુણે જિલ્લા સહકારી બેંકના ચેરમેન બન્યા અને એ જ વર્ષે બારામતીથી કોંગ્રેસની ટિકિટ પર લોકસભા સાંસદ તરીકે ચૂંટાયા. જોકે, આ બેઠક તેમણે શરદ પવાર માટે ખાલી કરી હતી.

1995માં અજિત પવારે રાજ્ય રાજકારણમાં પગ મૂક્યો

1995માં અજિત પવારે રાજ્ય રાજકારણમાં પગ મૂક્યો અને પહેલી વાર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જીતી. ત્યારબાદ તેઓ સતત આઠ ટર્મ સુધી ધારાસભ્ય રહ્યા અને ક્યારેય ચૂંટણી હાર્યા નહીં. 1999 બાદ તેમણે NCPની ટિકિટ પર અનેક વખત વિધાનસભાની ચૂંટણી જીતી અને બારામતીના મજબૂત નેતા તરીકે પોતાની ઓળખ બનાવેલી.

45 વર્ષની રાજકીય કારકિર્દીમાં એક વખત સાંસદ

અજિત પવારએ પોતાની 45 વર્ષની રાજકીય કારકિર્દીમાં એક વખત સાંસદ, સાત વખત ધારાસભ્ય અને 6 વખત નાયબ મુખ્યમંત્રી તરીકે સેવા આપી. તેઓ મહારાષ્ટ્રના સૌથી વધુ વખત નાયબ મુખ્યમંત્રી બનેલા નેતા હતા. સાથે જ તેઓ સૌથી વધુ વખત રાજ્યનું બજેટ રજૂ કરનાર નાણામંત્રી તરીકે પણ ઓળખાતા હતા.

સિંચાઈ અને આયોજન જેવા મહત્વપૂર્ણ ખાતાં

તેમણે કૃષિ, ઉર્જા, સિંચાઈ અને આયોજન જેવા મહત્વપૂર્ણ ખાતાં સંભાળ્યા. વિલાસરાવ દેશમુખ અને પૃથ્વીરાજ ચવ્હાણની સરકારોમાં તેમનો પ્રભાવ ખાસ જોવા મળ્યો. 2019 બાદ રાજકીય નાટક દરમિયાન તેમણે ટૂંકા સમય માટે ભાજપ સાથે જઈને સરકાર બનાવી હતી, પરંતુ બાદમાં ફરી શરદ પવાર સાથે જોડાયા.

 અજિત પવારએ મોટો રાજકીય નિર્ણય

2023માં અજિત પવારએ મોટો રાજકીય નિર્ણય લઈને 40 ધારાસભ્યો સાથે અલગ જૂથ બનાવ્યું અને ભાજપ-શિવસેના (એકનાથ શિંદે) સાથે મહાયુતિમાં જોડાયા. ચૂંટણી પંચ પાસેથી તેમણે મૂળ NCPનું નામ અને પ્રતીક મેળવ્યું, જેના કારણે પક્ષ બે ભાગમાં વહેંચાઈ ગયો. છતાં, પવાર પરિવારના સંબંધોમાં સંપૂર્ણ તૂટ જોવા મળી નહોતી.

ઘણી વખત મુખ્યમંત્રી બનવાની તક

અજિત પવારને ઘણી વખત મુખ્યમંત્રી બનવાની તક મળી હતી, ખાસ કરીને 1999 અને 2004માં. પરંતુ રાજકીય સમીકરણો અને શરદ પવારની વ્યૂહરચનાને કારણે તેઓ મુખ્યમંત્રી બની શક્યા નહીં. તેમ છતાં, નાયબ મુખ્યમંત્રી તરીકે તેમણે જે સત્તા અને પ્રભાવ બતાવ્યો, તે તેમને “તાજ વગરના રાજા” બનાવે છે. અજિત પવારના અચાનક અવસાનથી મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ખાલીપો સર્જાયો છે. હવે NCPનું નેતૃત્વ કોણ સંભાળશે અને પવાર પરિવાર ફરી એક થશે કે નહીં, એ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : EU સાથે FTA બાદ ભારતને વધુ એક મોટી સફળતા? અમેરિકા સાથે વેપાર સોદો અંતિમ તબક્કામાં