સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ગુરુવારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. તેમના આ મેનિફેસ્ટોમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. તેમણે વચન આપ્યું છે કે ઉત્તર પ્રદેશમાં દરેક દીકરીના જન્મ સમયે તેને 10 ગ્રામ સોનું આપવામાં આવશે.
હાલમાં સોનાના ભાવને ધ્યાનમાં રાખીને આ યોજનાનો અંદાજિત ખર્ચ ગણવામાં આવે તો જો ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસની સરકાર બને છે, તો દરરોજ નવજાત દીકરીઓને આશરે 74,000 ગ્રામ સોનું આપવું પડશે. એટલે કે દરરોજ લગભગ રૂ.84 કરોડ 39 લાખનું સોનું વહેંચવામાં આવશે.
UPમાં દરરોજ જન્મે છે 7,300થી 7,500 દીકરીઓ
કેન્દ્ર સરકારના રજિસ્ટ્રાર જનરલ અને જનગણના કમિશનરની કચેરીના વર્ષ 2023ના સેમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (SRS)ના આંકડા અનુસાર, ઉત્તર પ્રદેશમાં વસ્તીવિષયક દરના આધારે દરરોજ સરેરાશ 15,000થી 15,500 બાળકોનો જન્મ થાય છે.
એટલે કે રાજ્યમાં દર વર્ષે આશરે 55થી 56 લાખ બાળકો જન્મે છે. આ પૈકી દરરોજ જન્મ લેતાં બાળકોમાં લગભગ 7,300થી 7,500 દીકરીઓ હોય છે.
દર વર્ષે જન્મશે આશરે 27 લાખ દીકરીઓ
જો ઉત્તર પ્રદેશમાં દરરોજ જન્મ લેતી દીકરીઓની સરેરાશ સંખ્યા 7,400 ગણવામાં આવે તો આ હિસાબે રાજ્યમાં દર વર્ષે આશરે 27,01,000 દીકરીઓનો જન્મ થાય છે.
જો દરેક દીકરીને 10 ગ્રામ સોનું આપવામાં આવે તો દરરોજ કુલ 74,000 ગ્રામ એટલે કે 74 કિલોગ્રામ સોનાની જરૂર પડશે.
દર વર્ષે રૂ.30,803 કરોડનું સોનું વહેંચવું પડશે
દેશમાં હાલમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાની સરેરાશ કિંમત આશરે રૂ.1,24,600 છે, જ્યારે 22 કેરેટ સોનાની સરેરાશ કિંમત લગભગ રૂ.1,14,045 છે. જો દરરોજ જન્મ લેતી 7,400 દીકરીઓને 10 ગ્રામ લેખે 22 કેરેટનું સોનું આપવામાં આવે તો કુલ 74,000 ગ્રામ સોનાની કિંમત રૂ.84,39,33,000 એટલે કે આશરે રૂ.84.39 કરોડ થશે. આ હિસાબે 365 દિવસમાં લગભગ રૂ.30,803.55 કરોડનું સોનું વહેંચવું પડશે.
UPનું વાર્ષિક બજેટ રૂ.9.12 લાખ કરોડ
હાલમાં ઉત્તર પ્રદેશ સરકારનું વાર્ષિક બજેટ આશરે રૂ.8 લાખ કરોડથી રૂ.9.12 લાખ કરોડની વચ્ચે છે. રાજ્યની અર્થવ્યવસ્થા સતત વિકસી રહી છે અને બજેટનું કદ દર વર્ષે લગભગ 10થી 13 ટકાના દરે વધી રહ્યું છે.
ઉત્તર પ્રદેશનું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રૂ.9,12,696.35 કરોડ હતું. આ રાજ્યનું અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ છે. જ્યારે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રૂ.8,08,736.06 કરોડ હતું. તે પહેલાં વર્ષ 2024-25માં રાજ્યનું બજેટ આશરે રૂ.7,36,437 કરોડ હતું.
સોના પાછળ બજેટની 3.38 ટકા રકમ ખર્ચાશે
જો ઉત્તર પ્રદેશના હાલના રૂ.9.12 લાખ કરોડના બજેટમાંથી સોના પાછળ ખર્ચ થનારી રૂ.30,803.55 કરોડની રકમ બાદ કરવામાં આવે તો લગભગ રૂ.8.81 લાખ કરોડ બાકી રહેશે.
આ ગણતરી પ્રમાણે કુલ બજેટના આશરે 3.38 ટકા જેટલી રકમ માત્ર નવજાત દીકરીઓને સોનું આપવા પાછળ ખર્ચાશે. એટલે કે અખિલેશ યાદવની સરકાર બને તો બજેટની સાડા ત્રણ ટકા જેટલી રકમ આ યોજના પાછળ ખર્ચવાની રહેશે. અખિલેશ યાદવે આ જાહેરાત દ્વારા ખાસ કરીને મહિલા મતદારોને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો:Bangladesh Crisis: 16 તારીખે બદલાઈ શકે છે બાંગ્લાદેશનું રાજકારણ! હસીનાની વાપસી પહેલાં લોકડાઉન અને હાઈ એલર્ટ