બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાની વાપસી પહેલાં દેશમાં તણાવની સ્થિતિ સર્જાઈ છે. અવામી લીગે બાંગ્લાદેશમાં 27 અને 28 નવેમ્બરે ફુલ લોકડાઉનની જાહેરાત કરી છે. શેખ હસીનાની પાર્ટી અવામી લીગના કાર્યકરો બુધવારથી જ ઢાકામાં એકઠા થઈ રહ્યા છે.
બીજી તરફ, બાંગ્લાદેશની સરકારે અગાઉથી જ સ્પષ્ટ કરી દીધું છે કે અવામી લીગને દેશમાં ફરી ક્યારેય રાજકીય પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બાંગ્લાદેશના સ્થાનિક મીડિયા અહેવાલો અનુસાર, બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશ (BGB) દ્વારા સાત જિલ્લાઓમાં 109 પ્લાટૂન તૈનાત કરવામાં આવ્યા છે.
સાવર અને અશુલિયામાં 18 પ્લાટૂન, નારાયણગંજમાં 7, ગાઝીપુરમાં 18, મૈમનસિંહના ભાલુકામાં 2 અને ગોપાલગંજમાં 56 પ્લાટૂન તૈનાત કરવામાં આવ્યા છે. સૌથી વધુ સુરક્ષા દળો શેખ હસીનાના ગૃહ જિલ્લા ગોપાલગંજમાં તૈનાત કરાયા છે.
ગયા અઠવાડિયે પણ ગોપાલગંજમાં આશરે 2,000 પોલીસકર્મીઓ, બોર્ડર ગાર્ડ બાંગ્લાદેશની 10 પ્લાટૂન અને સ્પેશિયલ રિસ્પોન્સ બટાલિયન (SRB)ના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.
તણાવ વચ્ચે અવામી લીગે મૂકી આ માંગણીઓ
અવામી લીગે સરકાર સમક્ષ અનેક માંગણીઓ રજૂ કરી છે. તેમાં મુખ્યત્વે આ મુદ્દાઓનો સમાવેશ થાય છે.
- શેખ હસીના અને પાર્ટીના નેતાઓ સામે નોંધાયેલા કેસો પાછા ખેંચવામાં આવે તેમજ રાજકીય રીતે પ્રેરિત નિર્ણયોને રદ કરવામાં આવે.
- અવામી લીગ પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવીને પાર્ટીને રાજકીય પ્રવૃત્તિઓ કરવાની મંજૂરી આપવામાં આવે.
- રાજકીય કેદીઓને મુક્ત કરવામાં આવે અને તેમની સામેના કેસો સમાપ્ત કરવામાં આવે.
- બાંગ્લાદેશમાં વધી રહેલી મોંઘવારી પર નિયંત્રણ લાવવામાં આવે. વીજળી, ગેસ, પાણી, ઇંધણ, ખાતર અને જીવનજરૂરી વસ્તુઓના ભાવ ઘટાડવામાં આવે.
- બંધ પડેલા ઉદ્યોગો ફરી શરૂ કરવામાં આવે અને બેરોજગાર શ્રમિકોને રોજગારી આપવામાં આવે.
- નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. હત્યા, બળાત્કાર, ખંડણી, લૂંટફાટ અને ગેરકાયદે કબજા જેવી ઘટનાઓ અટકાવવામાં આવે. મહિલાઓ, બાળકો અને લઘુમતીઓની સુરક્ષા કરવામાં આવે.
- લશ્કરી અને નાગરિક અધિકારીઓ તેમજ પત્રકારો સામે નોંધાયેલા કથિત ખોટા કેસો પાછા ખેંચવામાં આવે. અભિવ્યક્તિની સ્વતંત્રતા અને પ્રેસની આઝાદી સુનિશ્ચિત કરવામાં આવે.
- ઉગ્રવાદ અને આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં આવે. જેલમાંથી મુક્ત કરાયેલા આતંકવાદીઓ અને ઉગ્રવાદીઓની ફરી ધરપકડ કરવામાં આવે.
16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરશે શેખ હસીના?
બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના 16 ડિસેમ્બરે બાંગ્લાદેશ પરત ફરવાનાં છે. તેઓ છેલ્લા બે વર્ષથી વધુ સમયથી ભારતમાં રહે છે. તેમના પ્રવક્તાએ મંગળવારે માહિતી આપી હતી કે શેખ હસીના 16 ડિસેમ્બરે સ્વદેશ પરત ફરશે.
નોંધનીય છે કે 16 ડિસેમ્બરે બાંગ્લાદેશમાં વર્ષ 1971ના મુક્તિ સંગ્રામમાં મળેલી જીતની વર્ષગાંઠ ઉજવવામાં આવે છે. આ પહેલીવાર છે જ્યારે શેખ હસીનાએ પોતાની વાપસી માટે ચોક્કસ તારીખ નક્કી કરી છે. આવી સ્થિતિમાં તેમની વાપસી પહેલાં બાંગ્લાદેશમાં રાજકીય અને કાનૂની તણાવ વધુ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:Viral News: પાર્કમાં રડતી મહિલા પાસે પહોંચ્યા અધિકારીઓ, મદદને બદલે ફટકાર્યો હજારોનો દંડ!