ક્યારેક મન ઉદાસ હોય ત્યારે આપણે શું કરીએ છીએ? કોઈ પાર્કમાં જઈને એક ખૂણામાં આવેલી બેંચ પર એકલા બેસી જઈએ છીએ, થોડાં આંસુ વહાવી લઈએ છીએ અથવા તો કોઈ નજીકની વ્યક્તિને ફોન કરીને મન હળવું કરી લઈએ છીએ.
ભારતમાં તો આ એકદમ સામાન્ય વાત છે, પરંતુ જર્મનીમાં આવું કરવું એક મહિલા માટે ભારે પડી ગયું. પાર્કમાં એકલી બેસીને રડી રહેલી મહિલાને અધિકારીઓએ આશરે રૂ.2,700નો દંડ ફટકાર્યો હતો.
તે દિવસે આખરે શું થયું હતું?
જર્મનીના એક શહેરમાં હાના નામની 31 વર્ષની મહિલા રહે છે. તે કેમિસ્ટ્રીનો અભ્યાસ કરી રહી છે. 25 ઓક્ટોબરના રોજ તે ખૂબ જ પરેશાન હતી. એક તરફ અભ્યાસનું ટેન્શન હતું તો બીજી તરફ આર્થિક ચિંતાઓ પણ સતાવી રહી હતી. મન હળવું કરવા માટે તે નજીકના એક પાર્કમાં ફરવા નીકળી હતી.
ફરતાં-ફરતાં તેને રડવું આવી ગયું. તે થોડો સમય એકલી રહેવા માગતી હતી. તેથી બાળકોના રમવાના વિસ્તાર પાસે આવેલી એક બેંચ પર જઈને બેસી ગઈ. ત્યારબાદ તેણે પોતાની આન્ટીને ફોન કર્યો અને તેમની સાથે વાત કરવા લાગી.
હાનાને લાગ્યું હતું કે તે થોડીવાર અહીં બેસશે, કોઈ તેને પરેશાન નહીં કરે અને તેનું મન પણ હળવું થઈ જશે. પરંતુ એટલામાં જ ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનના ત્રણ અધિકારીઓ આવી પહોંચ્યા.
અધિકારીઓએ મહિલાને શું પૂછ્યું?
અધિકારીઓ હાના પાસે આવ્યા અને પૂછ્યું કે ઝૂલા પર રમી રહેલાં આ બે બાળકો તમારાં છે? તેના જવાબમાં હાનાએ કહ્યું કે, ના, આ બાળકો મારાં નથી. હું તો અહીં એકલી આવી છું અને માત્ર થોડીવાર માટે બેંચ પર બેઠી છું.
આટલું સાંભળતાં જ અધિકારીઓએ તેની પાસે ઓળખપત્ર માગ્યું અને 25 યુરો એટલે કે આશરે રૂ2,700નો દંડ ફટકાર્યો. હાનાના જણાવ્યા અનુસાર, તે માત્ર થોડો સમય એકલી રહેવા માગતી હતી. તેને આશા હતી કે કોઈ તેની પાસે આવીને પૂછશે કે તે ઠીક છે કે નહીં. પરંતુ અધિકારીઓએ તેની સ્થિતિ સમજવાને બદલે સીધો દંડ ફટકારી દીધો.
આખરે કયા નિયમ હેઠળ લગાવ્યો દંડ?
હવે તમને પણ સવાલ થતો હશે કે પાર્કની બેંચ પર બેસવા બદલ પણ દંડ થઈ શકે? હકીકતમાં, તે શહેરમાં નિયમ છે કે બાળકોના રમવાના પાર્કનો ઉપયોગ માત્ર 14 વર્ષ સુધીનાં બાળકો જ કરી શકે છે.
આવી જગ્યાએ કોઈ પુખ્ત વ્યક્તિ ત્યારે જ બેસી શકે છે, જ્યારે તે કોઈ બાળક સાથે આવી હોય. ઉદાહરણ તરીકે, બાળકનાં માતા-પિતા તેની સાથે હોય. બાળક વિના આવી જગ્યાએ બેંચ પર બેસવું પણ નિયમનો ભંગ માનવામાં આવે છે.
હાનાને આ નિયમ વિશે કોઈ જાણકારી નહોતી. તેને લાગ્યું હતું કે બેંચ ખાલી છે તો ત્યાં બેસવામાં કોઈ વાંધો નહીં આવે. પાર્કમાં લગાવવામાં આવેલા બોર્ડ પર પણ બાળક વિના ત્યાં બેસવાની મનાઈ હોવાની સ્પષ્ટ માહિતી લખવામાં આવી નહોતી.
વિવાદ બાદ વહીવટીતંત્રે શું કહ્યું?
આ સમગ્ર મામલે વિવાદ સર્જાયા બાદ પણ શહેરના અધિકારીઓએ પોતાની ભૂલ સ્વીકારી નહોતી. તેમનું કહેવું હતું કે 25 યુરોનો દંડ તો ઘણો ઓછો છે અને અધિકારીઓએ નિયમો અનુસાર જ કાર્યવાહી કરી છે.
એટલું જ નહીં, 17 નવેમ્બરે યોજાયેલી શહેરની બેઠકમાં આ દંડ 55 યુરોથી વધારીને 60 યુરો કરવાની ચર્ચા પણ કરવામાં આવી હતી. હવે આ મામલે સોશિયલ મીડિયા પર લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે.
કેટલાક લોકોનું કહેવું છે કે રડતી મહિલા પર દંડ ફટકારવો અમાનવીય છે. બીજી તરફ કેટલાક લોકો માને છે કે નિયમ એટલે નિયમ અને બાળકોની સુરક્ષા માટે આવા નિયમો જરૂરી છે. હવે સવાલ એ છે કે હાનાને દંડ ફટકારવો યોગ્ય હતો કે પછી અધિકારીઓએ પહેલાં તેને નિયમ સમજાવવો જોઈતો હતો?
