સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ 13થી 17 વર્ષની ઉંમરના યુઝર્સ માટે પેરેન્ટલ કંટ્રોલ ફીચર શરૂ કર્યું છે. Mashableના અહેવાલ અનુસાર, X એ પોતાના ઓફિશિયલ સેફ્ટી એકાઉન્ટ દ્વારા આ નવા અપડેટની જાહેરાત કરી છે.

આ ફીચરની મદદથી માતા-પિતા અને વાલીઓ પોતાનાં બાળકોની એક્ટિવિટી પર નજર રાખી શકશે અને કેટલીક સુરક્ષા સેટિંગ્સને નિયંત્રિત કરી શકશે.

કેવી રીતે કામ કરશે Xનું નવું Supervision System?

આ સમગ્ર સિસ્ટમ માતા-પિતા અથવા વાલીના એકાઉન્ટ અને ટીનએજરના એકાઉન્ટ વચ્ચે સુપરવિઝન લિંક દ્વારા કામ કરશે. સરળ શબ્દોમાં કહીએ તો, બંને એકાઉન્ટ વચ્ચે આ લિંક જોડાઈ ગયા બાદ માતા-પિતાને બાળકોના એકાઉન્ટ સાથે જોડાયેલી અનેક મોનિટરિંગ અને સુરક્ષા સેટિંગ્સનો એક્સેસ મળશે.

રસપ્રદ વાત એ છે કે અગાઉ, એટલે કે Xની માલિકીમાં ફેરફાર થયો તે પહેલાં, પ્લેટફોર્મ પર આ પ્રકારની પેરેન્ટલ સુપરવિઝન સુવિધાઓ ઉપલબ્ધ નહોતી. આવી સ્થિતિમાં આ પગલું Xની સુરક્ષા નીતિમાં એક નવો બદલાવ માનવામાં આવે છે.

જોકે, પ્લેટફોર્મે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ટીનએજર્સ આ સર્વિસનો ઉપયોગ કરી શકે છે, પરંતુ Xને બાળકો માટે ડિઝાઇન કરવામાં આવ્યું નથી અને ન તો બાળકોને તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

આ અપડેટમાં માતા-પિતાને કયા કંટ્રોલ મળશે?

અહેવાલ અનુસાર, નવા પેરેન્ટલ કંટ્રોલ ફીચર હેઠળ માતા-પિતા અને વાલીઓને અનેક પ્રકારનાં ટૂલ્સ આપવામાં આવ્યા છે, જેથી તેઓ ટીનએજર્સના સોશિયલ મીડિયા અનુભવને વધુ સુરક્ષિત અને સંતુલિત બનાવી શકે. તેમાં મુખ્યત્વે આ સુવિધાઓ સામેલ છે.

1. સ્ક્રિન ટાઈમ અને ડેયલી લીમીટ: માતા-પિતા જાણી શકશે કે તેમનું બાળક X પ્લેટફોર્મ પર કેટલો સમય વિતાવે છે. આ ઉપરાંત તેઓ દરરોજના ઉપયોગ માટે સમય મર્યાદા પણ નક્કી કરી શકશે.

2. નવા Followers માટે Approval: બાળકને કોણ નવું ફોલો કરી રહ્યું છે, તેના પર નિયંત્રણ રાખી શકાશે. અજાણ્યા અથવા શંકાસ્પદ એકાઉન્ટ્સથી સુરક્ષિત રહેવા માટે નવા ફોલોઅર્સને મંજૂરી આપવાની શરત મૂકી શકાશે.

3. 'For You' Feedની સેટિંગ: એલ્ગોરિધમ દ્વારા કરવામાં આવતી રેન્ડમ ભલામણોને બદલે 'For You' ફીડને માત્ર એવાં એકાઉન્ટ્સ સુધી મર્યાદિત કરી શકાશે, જેમને ટીનએજર પહેલેથી ફોલો કરે છે.

4. ખાસ શબ્દો Mute કરવાની સુવિધા: ટાઇમલાઇન અથવા ફીડમાં દેખાતા અમુક ખાસ શબ્દોને મ્યૂટ કરી શકાશે. તેનાથી અનિચ્છનીય કન્ટેન્ટથી બચવામાં મદદ મળશે.

ચેટ અને DMની Privacy માટે શું છે નિયમ?

સોશિયલ મીડિયા પર ડાયરેક્ટ મેસેજ એટલે કે DMને લઈને સૌથી વધુ ચિંતા રહે છે કે અજાણી વ્યક્તિ કોઈ ખોટો અથવા વાંધાજનક મેસેજ ન મોકલે. નવા ફીચર હેઠળ માતા-પિતા નિયંત્રિત કરી શકશે કે તેમના ટીનએજરને કોણ ડાયરેક્ટ મેસેજ મોકલી શકે છે.

આ ઉપરાંત માતા-પિતા એ પણ જાણી શકશે કે તેમનાં બાળકોએ કયા યુઝર્સ સાથે મેસેજની આપ-લે કરી છે. જોકે, અહીં પ્રાઇવસીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. માતા-પિતા આ વાતચીતના અસલ મેસેજ એટલે કે તેમાં શું લખ્યું છે તે વાંચી શકશે નહીં.

આ વ્યવસ્થા પાછળનો હેતુ બાળકોની સુરક્ષા જાળવવાની સાથે તેમની અંગત ચેટની ગોપનીયતા પણ જાળવી રાખવાનો છે.

ટીનએજરની સંમતિ વિના નહીં થાય આ સિસ્ટમ લાગુ?

આ સમગ્ર અપડેટનો સૌથી ખાસ અને ચર્ચાસ્પદ ભાગ તેની સંમતિની શરત છે. પ્લેટફોર્મના નિયમો અનુસાર, આ સુપરવિઝન સિસ્ટમ ત્યારે જ સક્રિય થઈ શકશે જ્યારે માતા-પિતા અથવા વાલી અને ટીનએજર બંને તેની સંમતિ આપશે.

તેનો સીધો અર્થ એ છે કે માતા-પિતા પોતાના બાળકની મંજૂરી વિના તેના એકાઉન્ટ પર આ નિયંત્રણો લાગુ કરી શકશે નહીં. ટીનએજર પોતે આ કનેક્શન અને સેટિંગ્સ માટે સંમત થશે ત્યારે જ સિસ્ટમ કામ કરશે.

આ ઉપરાંત એક વાલી વધુમાં વધુ પાંચ ટીનએજ એકાઉન્ટ્સને સુપરવાઇઝ કરી શકશે. જ્યારે એક ટીનએજ એકાઉન્ટ માત્ર એક જ પેરેન્ટ એકાઉન્ટ સાથે લિંક થઈ શકશે.

આ પણ વાંચો: Dhadkan 2: 26 વર્ષ બાદ ફરી ધડકશે ‘ધડકન’ની કહાની! સુનીલ શેટ્ટીની એન્ટ્રીને લઈને ચર્ચા તેજ