અસમના ગુવાહાટીમાં નીલાંચલ પર્વત પર સ્થિત કામાખ્યા મંદિર ભારતના 51 શક્તિપીઠોમાંનું એક અત્યંત પવિત્ર મંદિર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ અહીં દેવી સતીના યોનિ અંગનો ભાગ પડ્યો હતો, જેના કારણે આ સ્થાન શક્તિ ઉપાસનાનું મુખ્ય કેન્દ્ર બન્યું છે. આ મંદિરમાં કોઈ મૂર્તિની પૂજા થતી નથી, પરંતુ ગર્ભગૃહમાં યોનિ આકારની શિલા પૂજાય છે, જેમાંથી સતત જળ વહે છે અને ભક્તો તેને સ્પર્શ કરીને માતાજીના આશીર્વાદ લે છે.
કેમ અંબુબાચી મેળાનું આયોજન થાય છે?
આ મંદિરની સૌથી અનોખી પરંપરા એ છે કે અહીં દેવીને રજસ્વલા થતી માનવામાં આવે છે, એટલે કે માતાજીનો માસિક ચક્ર સમયગાળો અહીં ઉજવાય છે. આ સમય દરમિયાન મંદિરના કપાટ બંધ રાખવામાં આવે છે. આ જ પ્રસંગે દર વર્ષે અંબુબાચી મેળાનું આયોજન થાય છે, જે ધાર્મિક શ્રદ્ધા અને તંત્ર સાધનાનો મહત્વપૂર્ણ મેળો ગણાય છે.
22 જૂનથી અંબુબાચી મેળાની શરૂઆત થશે
આ વર્ષે 22 જૂનથી અંબુબાચી મેળાની શરૂઆત થશે. 21 જૂન રાત્રે લગભગ 9:08 વાગ્યે પ્રવૃતિ અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ મંદિરના દરવાજા બંધ કરવામાં આવશે. માન્યતા મુજબ આ સમય દેવીના આરામનો સમય હોય છે અને સમગ્ર સૃષ્ટિ નવી ઊર્જા પ્રાપ્ત કરે છે. આ દરમિયાન મંદિર પરિસરમાં વિશેષ પૂજા-અર્ચના બંધ રાખવામાં આવે છે.
26 જૂને ફરી કપાટ ખુલશે
26 જૂને સવારે નિવૃત્તિ અનુષ્ઠાન બાદ મંદિરના કપાટ ફરીથી ખુલશે. ત્યારબાદ ભક્તોને પ્રસાદ રૂપે 'અંગવસ્ત્ર' આપવામાં આવે છે, જે માન્યતા અનુસાર માતાજીના આશીર્વાદનું પ્રતિક છે. આ સમય દરમિયાન બ્રહ્મપુત્ર નદીના જળને લઈને પણ અનેક ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે. અંબુબાચી મેળામાં દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને તાંત્રિકો પહોંચે છે. અહીં સાધના અને ધ્યાન કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે તેવી માન્યતા છે. આ મેળો માત્ર ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ શક્તિ ઉપાસના, આસ્થા અને પ્રકૃતિ પ્રત્યેના સન્માનનું અનોખું પ્રતીક માનવામાં આવે છે.
આ પણ વાંચો : Ram Mandir Donation Case : SITની ટીમે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથને સોંપ્યો પ્રાથમિક તપાસ રિપોર્ટ