અયોધ્યામાં રામ મંદિર માટે મળેલા દાન અને ફંડમાં થયેલા કથિત ગેરરીતિ મામલે તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરીને પ્રાથમિક રિપોર્ટ રજૂ કર્યો છે. હવે ટીમ દ્વારા આ મામલે વિગતવાર અંતિમ રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
તમામ વિગતો ડિજિટલ ફોર્મમાં સુરક્ષિત રીતે સંગ્રહિત કરાશે
મળતી માહિતી મુજબ SITએ મંદિર ટ્રસ્ટના પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓને અયોધ્યા ન છોડવાનો આદેશ આપ્યો છે. તપાસ સાથે જોડાયેલા સૂત્રો મુજબ રોજની તપાસની તમામ વિગતો ડિજિટલ ફોર્મમાં સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવી રહી છે. તેમાં પૂછપરછના રેકોર્ડ અને દસ્તાવેજી પુરાવાઓનો સમાવેશ થાય છે.
તપાસ માત્ર ફંડ ગેરરીતિ સુધી મર્યાદિત નથી
SITની તપાસ માત્ર ફંડ ગેરરીતિ સુધી મર્યાદિત નથી, પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ તબક્કામાં ખરીદેલી જમીન અને બાંધકામ સામગ્રીની ખરીદીની પણ તપાસ કરવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ ટ્રસ્ટ દ્વારા બજાર ભાવથી વધુ કિંમતે જમીન ખરીદવામાં આવી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે, જે મુદ્દો વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
અયોધ્યામાં રામલલાના દર્શન માટે ભક્તોની ભીડ
આ મામલે 13 જૂનના રોજ ઉત્તર પ્રદેશ સરકારે SITની રચના કરી હતી, જેમાં લખનઉના ડિવિઝનલ કમિશનર વિજય વિશ્વાસ પંત, આઈજી કિરણ એસ અને નાણાં વિભાગના વિશેષ સચિવ નીલ રત્નનો સમાવેશ થાય છે. તપાસ વચ્ચે પણ અયોધ્યામાં રામલલાના દર્શન માટે ભક્તોની ભીડ યથાવત રહી છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી રહ્યા છે. કેટલાક ભક્તોએ જણાવ્યું છે કે તપાસ કે વિવાદથી તેમની આસ્થા પર કોઈ અસર પડી નથી. બીજી તરફ સંતોએ પણ કહ્યું છે કે મંદિર અંગે ભ્રમ ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ શ્રદ્ધાળુઓની ભક્તિ અને આવક બંને સ્થિર છે.
આ પણ વાંચો : Nitish Kumarની લીડરશિપ પર ફરી લાગી મહોર, ચોથી વખત બન્યા JDUના રાષ્ટ્રીય અધ્યક્ષ