રામ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવેલા સોનાના દાનમાં કરોડો રૂપિયાનું મોટું કૌભાંડ થયું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. પ્રાથમિક વિગતો મુજબ, ભક્તોએ ચઢાવેલા સોનાનો કોઈ સત્તાવાર કે યોગ્ય રેકોર્ડ રાખવામાં આવ્યો નથી, જેને કારણે મોટા પાયે નાણાકીય અને કિંમતી ધાતુની ગેરરીતિ થઈ હોવાની આશંકા દ્રઢ બની છે. આ સમગ્ર મામલે હવે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા સઘન પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે.
SPMCIL કાઉન્ટરની યોજના કેમ અટકી?
મંદિરમાં સોનાના દાનની પ્રક્રિયા પારદર્શક રહે તે માટે થોડા મહિના પહેલાં ભારત સરકારના નાણાં મંત્રાલય અને સિક્યોરિટી પ્રિન્ટિંગ એન્ડ મિન્ટિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (SPMCIL) વચ્ચે એક મહત્વપૂર્ણ કરાર થયો હતો. જે મુજબ મંદિર પરિસરમાં SPMCILનું એક ખાસ કાઉન્ટર શરૂ કરવાનું નક્કી કરાયું હતું. સોનું કે સોનાના દાગીના દાન કરનારા ભક્તોને આ કાઉન્ટર પરથી સત્તાવાર રસીદ આપવાની જોગવાઈ હતી, જેથી દાનનો સચોટ હિસાબ મળી શકે.
દેશના અન્ય મોટા ધાર્મિક સ્થળો પર આવી વ્યવસ્થા સફળતાપૂર્વક ચાલી રહી છે. જો કે, સૂત્રોના જણાવ્યા અનુસાર, અયોધ્યા રામ મંદિર પરિસરમાં આ કાઉન્ટર માટે યોગ્ય જગ્યા ફાળવવામાં આવી નહોતી. સત્તાવાર કરાર હોવા છતાં આ સિસ્ટમ લાગુ ન થઈ શકતા હવે એવા સવાલો ઉઠી રહ્યા છે કે, શું ઇરાદાપૂર્વક SPMCIL ને જગ્યા આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો?
કેવી રીતે સોનામાં છેતરપિંડી થતી ?
નાણાં મંત્રાલય હેઠળ કામ કરતી સંસ્થા SPMCIL, જે ભારતીય ચલણ, સિક્કા, પોસ્ટેજ સ્ટેમ્પ અને નોન-જ્યુડિશિયલ સ્ટેમ્પ પેપર જેવા ઉચ્ચ-સુરક્ષા દસ્તાવેજોના પ્રિન્ટિંગનું કામ સંભાળે છે, તેની એક ખાસ યોજના હતી. મંદિરના સોનાનો ઉપયોગ કરીને વિશેષ ધાર્મિક સિક્કા બનાવવાનું નક્કી થયું હતું, જેને રામલલ્લાના ભક્તો ખરીદી શકે.
પરંતુ વ્યવસ્થિત રેકોર્ડના અભાવે આ યોજના ખોરવાઈ ગઈ. શ્રદ્ધાળુઓ સોનું કાં તો દાન પેટીમાં નાખતા અથવા ત્યાં હાજર પૂજારીઓને સોંપતા હતા. પૂજારીઓ પાસેથી આ સોનું પ્રસાદની ગણતરી કરતા સ્ટાફ પાસે જતું હતું. આરોપ છે કે આ જ તબક્કે મોટી છેતરપિંડી આચરવામાં આવી અને સોનાની ચોરી કરીને તેનો હિસાબ ગાયબ કરી દેવાયો.
ટંકશાળ નિગમના અધિકારીઓની ઉપેક્ષા અને SIT તપાસ
કેન્દ્ર સરકારે સોનાના દાનમાં ગેરરીતિઓ રોકવા માટે જ ટંકશાળ નિગમ (Mint Corporation) ના નિષ્ણાતોને મોકલ્યા હતા, પરંતુ મંદિરના વ્યવસ્થાપકોએ આ અધિકારીઓને પરત મોકલી દીધા હોવાના અહેવાલ છે.
મંદિરમાં દાન આ ત્રણ રીતે મળતુ
- દાન પેટીઓ દ્વારા.
- સીધા મૂર્તિ પર અર્પણ કરીને.
- વીઆઈપી ભક્તો દ્વારા સીધા ચંપત રાયને સોંપીને.
ટુન્નુ યાદવ આખા મામલામાં કેવી રીતે આવ્યો ?
આક્ષેપો અનુસાર, ચંપત રાય આ સોનું ટુન્નુ યાદવ નામના વ્યક્તિને આપતા હતા, જે બેંકમાં જમા કરાવતા પહેલાં તેના ફોટા પાડતો હતો. પરંતુ બેંકમાં ખરેખર કેટલું સોનું જમા થયું અને કેટલું મળ્યું હતું, તેની કોઈ સત્તાવાર ચકાસણી કે ઓડિટ કરવામાં આવી નથી. તપાસ દરમિયાન ટુન્નુ યાદવના ઘરના પરિસરમાંથી મોટી માત્રામાં રોકડ અને સોનું મળી આવ્યું છે, જે શંકાને વધુ મજબૂત કરે છે. જો બધું જ સોનું બેંકમાં જમા થઈ ગયું હોત, તો તેના ઘરેથી આ કિંમતી ચીજો ન મળી હોત. હાલમાં SIT આ કરોડોના સોના કૌભાંડના દરેક પાસાની ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.













