અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં દાન અને ચઢાવાની રકમમાં કથિત ગેરરીતિઓનો મુદ્દો હાલમાં જોર પકડી રહ્યો છે. આ સમગ્ર મામલો હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી ગયો છે, જ્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશ સરકારે પણ આ અંગે કડક વલણ અપનાવીને તપાસ માટે એસઆઈટી (SIT)ની રચના કરી દીધી છે.


દાન વિવાદ મામલે SCમાં અરજી 

રામ મંદિરમાં દાનની કથિત ચોરી અને નાણાકીય અનિયમિતતાઓનો મુદ્દો દેશની સર્વોચ્ચ અદાલતમાં પહોંચ્યો છે. વકીલ અનૂપ અવસ્થીએ ચીફ જસ્ટિસ (CJI) સૂર્ય કાંતને આ મામલે સ્વતઃ સંજ્ઞાન (Suo Motu) લેવા અને સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસ કરાવવા વિનંતી કરી છે. અરજીકર્તાની માંગ કરી છે કે આ મામલે એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવે જેથી દેશની જનતાનો ભરોસો જળવાઈ રહે.

CJIએ શું કહ્યું ? 

આ અંગે ચીફ જસ્ટિસ સૂર્ય કાંતે વકીલોને કોર્ટમાં મૌખિક રજૂઆત (Mentions) ન કરવા જણાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે વકીલોએ લેખિત નોટ આપવી પડશે, જેના આધારે કેસની ગંભીરતા નક્કી કરવામાં આવશે. હાલ કોર્ટ જામીન અને વ્યક્તિગત સ્વતંત્રતા સાથે જોડાયેલા કેસોને પ્રાથમિકતા આપી રહી છે.

યોગી સરકારે 3 સભ્યોની SIT ટીમ બનાવી

આ વિવાદો વચ્ચે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે શનિવારે એક મોટી જાહેરાત કરતા 3 સભ્યોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની વિનંતી બાદ મુખ્યમંત્રીએ આ આદેશ આપ્યો હતો.

SITમાં કોનો કોનો સમાવેશ ? 

1. વિજય વિશ્વાસ પંત (વરિષ્ઠ IAS અધિકારી અને લખનૌના મંડલાયુક્ત)

2. કિરણ એસ. (IPS અધિકારી અને પોલીસ મહાનિરીક્ષક)

3. નીલ રતન (નાણા વિભાગના વિશેષ સચિવ)

આ ટીમ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ અને દાનપાત્રને લગતા તમામ આરોપોની તટસ્થ તપાસ કરીને સરકારને પોતાનો રિપોર્ટ સોંપશે.


"હું માત્ર નિર્માણ કાર્ય જોઉં છું" : નૃપેન્દ્ર મિશ્રા

રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ નાણાકીય વિવાદથી પોતાને અલિપ્ત રાખ્યા છે. અયોધ્યાની મુલાકાતે આવેલા મિશ્રાએ સ્પષ્ટ કર્યું કે તેમની ભૂમિકા માત્ર અને માત્ર મંદિરના બાંધકામની દેખરેખ પૂરતી જ સીમિત છે. તેમણે દાનમાં થયેલી કથિત હેરાફેરીના આરોપો પર કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કરતા કહ્યું, કે હું માત્ર નિર્માણ કાર્ય જોઉં છું, બીજું કંઈ નહીં.


દાન વિવાદ મામલે યુપીમાં રાજકીય ગરમાવો 

આ મુદ્દાને લઈને ઉત્તર પ્રદેશનું રાજકારણ પણ ગરમાયું છે.  એક તરફ  સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ સોશિયલ મીડિયા અને અન્ય પ્લેટફોર્મ પર સતત આ મુદ્દો ઉઠાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જો ભગવાન રામના પવિત્ર કાર્ય માટે આવેલા દાનના દુરુપયોગના આરોપો લાગતા હોય, તો તેની ગંભીર તપાસ થવી જ જોઈએ. તેમણે આરોપ લગાવ્યો છે કે અયોધ્યાના 'રામ મંદિર'માં ભક્તો દ્વારા અર્પણ કરાયેલા કરોડો રૂપિયા ગુમ થઈ ગયા છે.  તો બીજી તરફ  યુપીના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે અખિલેશ યાદવ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ રામ મંદિર અંગે સોશિયલ મીડિયા પર અફવાઓ ફેલાવીને જૂઠું બોલવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યા છે.


  • Follow us on: