NEET પેપર લીક અને પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માંગને લઈને દેશભરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકે સરકાર તરફથી લેખિત ખાતરી મળ્યા બાદ પોતાના 26 દિવસના લાંબા ઉપવાસનો અંત લાવી દીધો છે. બીજી બાજુ, 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) અને સરકાર વચ્ચે આજે મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે, જ્યાં આગામી રણનીતિ પર ચર્ચા થશે. CJPએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું ન આપે ત્યાં સુધી તેમનું જંતર-મંતર પરનું આંદોલન યથાવત રહેશે.
12:30 વાગ્યે યોજાશે CJP અને સરકારની બેઠક
આજની બેઠક અને કાર્યક્રમો અંગે માહિતી આપતા CJPના પ્રતિનિધિ આશુતોષ રંકાએ જણાવ્યું હતું કે સવારે 11 વાગ્યે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે સેન્ટ્રલ કોલ્ડ સ્ટોરેજ ઇન્સ્ટિટ્યુટ (CCI) ખાતે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જીતેન્દ્ર સિંહ સાથે CJPના નેતાઓની બેઠક યોજાશે. આ બેઠકમાં લેવાનાર નિર્ણયો અંગે મીડિયાને વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
સોનમ વાંગચુકે ઉપવાસ તોડ્યા
જંતર-મંતર પર મોટી સંખ્યામાં નાગરિકો અને સમર્થકો એકઠા થયા છે. લોકોએ સોનમ વાંગચુક દ્વારા ઉપવાસ તોડવાના નિર્ણયને આવકાર્યો છે, પરંતુ સાથે જ શિક્ષણ મંત્રીના રાજીનામા વગર વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની પણ જાહેરાત કરી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે દિલ્હીના 17 મેટ્રો સ્ટેશન બંધ રાખવામાં આવ્યા છે અને સુરક્ષાના કડક બંદોબસ્ત વચ્ચે કેટલાક વિસ્તારોમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ પણ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર વીડિયો કર્યો જાહેર
સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ જારી કરીને પોતાના ઉપવાસ પૂરા થયાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે વિવિધ રાજકીય પક્ષોના 65 સાંસદોની અપીલ અને સરકાર તરફથી મળેલી લેખિત ખાતરી બાદ તેમણે આ નિર્ણય લીધો છે. સરકારે વિદ્યાર્થીઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી નહીં કરવા, પીડિત પરિવારોને વળતર આપવા અને સંસદમાં પરીક્ષા પ્રણાલી પર ગંભીર ચર્ચા કરવાના મુદ્દાઓ સ્વીકાર્યા છે. વાંગચુકે પોતાના સંદેશમાં કહ્યું હતું કે, "ભૂખ હડતાળ પૂરી થઈ, હવે જવાબદારી શરૂ થઈ છે." હાલમાં સમગ્ર રાજધાનીમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક છે અને સરકાર તથા આંદોલનકારીઓ વચ્ચેની આજની બેઠક પર સૌની નજર ટકેલી છે.
આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: મોંઘવારી વચ્ચે રાહતની આશા, પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર,જાણો 24 જુલાઈના લેટેસ્ટ રેટ