NEET પરીક્ષાના પેપર લીક અને ગેરરીતિઓને લઈને દિલ્હી સહિત દેશભરમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો વચ્ચે, તમિલ સિનેમાના સુપરસ્ટાર 'થલાપતિ' વિજય અને તેમની રાજકીય પાર્ટી TVK વિદ્યાર્થીઓના સમર્થનમાં આગળ આવ્યા છે. TVK એ સ્પષ્ટ માંગ કરી છે કે NEETમાં માત્ર સુધારા કરવા પૂરતા નથી, પરંતુ આ પ્રવેશ પરીક્ષાને કાયમ માટે સંપૂર્ણપણે નાબૂદ કરી દેવી જોઈએ.
થલાપતિ વિજય, NEET નાબૂદ થવી જોઈએ
વિદ્યાર્થીઓના ભવિષ્ય અને રાજ્યોના અધિકારોનો ઉલ્લેખ કરતા TVK એ બંધારણમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવાની માંગ કરી છે. પાર્ટીનું માનવું છે કે NEET જેવા મુદ્દાના કાયમી ઉકેલ માટે શિક્ષણને બંધારણની 'સમવર્તી યાદી' (Concurrent List) માંથી હટાવીને 'રાજ્ય યાદી' (State List) માં સ્થાનાંતરિત કરવું જોઈએ. આ ઉપરાંત, પાર્ટીએ સૂચન આપ્યું છે કે જો કાનૂની અડચણો હોય, તો વચગાળાના પગલા તરીકે એક 'વિશેષ સમવર્તી યાદી' બનાવવી જોઈએ, જેથી રાજ્ય સરકારોને મેડિકલ શિક્ષણ પર સંપૂર્ણ નિયંત્રણ મળી શકે. TVK મુજબ, તેમના પાર્ટી પ્રમુખ વિજયે આ કાયમી અને વચગાળાના બંને ઉકેલોની રૂપરેખા પહેલાથી જ તૈયાર કરી લીધી છે.
DMK પર પ્રહાર: "અમે ચૂંટણી વચનોથી છેતરપિંડી નહીં કરીએ"
શાસક પક્ષ DMK પર કટાક્ષ કરતા TVK એ જણાવ્યું હતું કે તેઓ મત મેળવવા માટે "અમે પોતે જ NEET રદ કરી દઈશું" જેવા ખોટા દાવા કે છેતરપિંડીની રાજનીતિ નથી કરતા. નોંધનીય છે કે 2021ની વિધાનસભા ચૂંટણી દરમિયાન DMK એ સત્તામાં આવતાની સાથે જ તમિલનાડુમાં NEET નાબૂદ કરવાનું વચન આપ્યું હતું, જેનો ઉલ્લેખ કરીને TVK એ નિશાન સાધ્યું છે.
વિજયે વિરોધ કરનાર રેપર અરિવુ સાથે કરી મુલાકાત
બીજી તરફ, NEET પરીક્ષાનો વિરોધ કરી રહેલા જાણીતા રેપર "થેરુકુરાલ" અરિવુ તમિલનાડુ સચિવાલય બહાર ધરણા પર બેઠા હતા. શરૂઆતમાં પોલીસે તેમની અટકાયત કરી હતી, પરંતુ બાદમાં સુપરસ્ટાર અને TVK વડા વિજયે તેમની સાથે મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન અરિવુએ રાષ્ટ્રીય સ્તરની આ પ્રવેશ પરીક્ષા અંગે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં મેડિકલ કોલેજોમાં પ્રવેશ માત્ર ધોરણ 12 ના માર્ક્સના આધારે જ થવો જોઈએ તેવી માંગ લાંબા સમયથી ચાલી રહી છે.
આ પણ વાંચો : Assam Flood : આસામમાં પૂરથી 24 કલાકમાં 21 લોકોનાં મોત, 5.64 લાખથી વધુ લોકો પ્રભાવિત