પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુનીમાં પેદા થયેલી ભૌગોલિક રાજકીય કટોકટીની સીધી અસર ભારતના ઉર્જા ક્ષેત્ર પર પડી છે. ભારતમાં કુદરતી ગેસના પુરવઠામાં 30% નો મોટો ઘટાડો નોંધાયો છે. આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકારે તાત્કાલિક અસરથી 'કુદરતી ગેસ નિયંત્રણ આદેશ' જારી કર્યો છે, જેમાં સામાન્ય નાગરિકોને પ્રાથમિકતા આપવામાં આવી છે.


સામાન્ય જનતાને 100% સુરક્ષા

સરકારે લીધેલા સૌથી મોટા નિર્ણય મુજબ, સામાન્ય લોકોના રસોડા અને પરિવહન પર આ સંકટની અસર પડવા દેવામાં આવશે નહીં. ઘરોમાં પાઈપ દ્વારા મળતો રસોઈ ગેસ (PNG) અને વાહનો માટેના CNG નો પુરવઠો 100% જાળવી રાખવામાં આવશે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જીવનને ખોરવાતું અટકાવવાનો છે.

ઉદ્યોગો અને ખેતી પર કાપ

બીજી તરફ, ઔદ્યોગિક અને કૃષિ ક્ષેત્ર માટે આ સમાચાર ચિંતાજનક છે. ગેસ ગ્રીડ સાથે જોડાયેલા ચાના બગીચાઓ અને અન્ય મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગોના પુરવઠામાં 20% નો કાપ મૂકવામાં આવ્યો છે, એટલે કે તેમને હવે માત્ર 80% ગેસ જ મળશે. સૌથી મોટો ફટકો ખાતર પ્લાન્ટ્સને પડ્યો છે, જ્યાં પુરવઠો ઘટાડીને 70% કરી દેવામાં આવ્યો છે. આનાથી ખેતી માટે જરૂરી ખાતરના ઉત્પાદન પર વિપરીત અસર પડવાની ભીતિ છે.

વૈકલ્પિક માર્ગોની લોકો કરી રહ્યા છે શોધ

રિફાઇનરી અને પેટ્રોકેમિકલ ક્ષેત્રોમાં પણ 35% જેટલો મોટો કાપ મુકાયો છે. આ અછતને દૂર કરવા માટે ભારત સરકાર હવે હોર્મુઝ સ્ટ્રેટ પરની નિર્ભરતા ઘટાડીને વૈકલ્પિક દરિયાઈ માર્ગો અને નવા આંતરરાષ્ટ્રીય દેશો સાથે ગેસ ખરીદી માટે વાટાઘાટો કરી રહી છે, જેથી દેશની ઉર્જા સુરક્ષા જળવાઈ રહે.

આ પણ વાંચોઃ Iran ની 'દુખતી નસ' પર અમેરિકાએ માર્યો હાથ? આ વિસ્તાર જો મુઠ્ઠીમાં આવ્યો તો ઇરાનની ગેમ ઓવર


  • Follow us on: