અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધને 11 દિવસ વીતી ગયા છે, પરંતુ હજુ સુધી કોઈ પક્ષ નમતું જોખવા તૈયાર નથી. મિસાઈલ અને ડ્રોન હુમલાઓ વચ્ચે હવે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક એવું ચોંકાવનારું પગલું ભરી શકે છે જે ઈરાનને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરી દેશે. અહેવાલો મુજબ, અમેરિકા ઈરાનના સૌથી મહત્વના ખાર્ગ ટાપુ (Kharg Island) પર કબજો કરવાની યોજના બનાવી રહ્યું છે.
શા માટે ખાર્ગ ટાપુ મહત્વનો છે?
ખાર્ગ ટાપુ પર્સિયન ગલ્ફમાં આવેલો એક નાનો ટાપુ છે, પરંતુ તે ઈરાનની અર્થવ્યવસ્થાની જીવાદોરી છે. ઈરાનનું 90 ટકા તેલ આ જ ટાપુ પરથી વિશ્વના અન્ય દેશોમાં નિકાસ થાય છે. દરરોજ 7 મિલિયન બેરલ તેલના સંચાલનની ક્ષમતા ધરાવતો આ ટાપુ છેલ્લા 70 વર્ષથી ઈરાન માટે સોનાની લગડી સમાન રહ્યો છે.
જો કબજો થાય તો શું અસર થશે?
જો અમેરિકા આ 25-30 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા ટાપુને પોતાની હસ્તક લે અથવા તેની નાકાબંધી કરે, તેલની નિકાસ બંધ થતા ઈરાન પાસે યુદ્ધ લડવા માટે જરૂરી નાણાંની તંગી સર્જાશે. આર્થિક પતન થતા નવી બનેલી મોજતબા ખામેનીની સરકાર પર ભારે દબાણ આવશે.ખાર્ગ ટાપુ પ્રભાવિત થવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં અકલ્પનીય વધારો થઈ શકે છે.
ટ્રમ્પ હવે ઇરાનની દુખતી નસ દબાવવા તૈયાર
અત્યાર સુધી અમેરિકા અને ઈઝરાયલે તેહરાન અને ઈસ્ફહાન જેવા શહેરોમાં સૈન્ય મથકો પર હુમલા કર્યા છે, પરંતુ ઈરાનનું મનોબળ તૂટ્યું નથી. ટ્રમ્પ હવે ઈરાનના લશ્કરી થાણાઓને બદલે તેના આર્થિક સ્ત્રોતને નિશાન બનાવીને યુદ્ધનો અંત લાવવા માંગે છે. જો ખાર્ગ ટાપુ પર કાર્યવાહી થશે, તો તે પશ્ચિમ એશિયાના યુદ્ધમાં અત્યાર સુધીનો સૌથી મોટો વળાંક સાબિત થશે.
આ પણ વાંચોઃ તેલ ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ઘરેલુ ગેસ સંકટને ટાળવા ESMA લાગુ કર્યો