ભારત સરકારે પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉપલબ્ધતા અને સપ્લાય પર સતત નજર રાખવા માટે નવી ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી છે. આ સમિતિની અધ્યક્ષતા ગૃહપ્રધાન અમિત શાહ કરશે. સરકારનો ઉદ્દેશ દેશભરમાં પેટ્રોલ અને ગેસની સ્થિતિ પર ઝડપી નિર્ણય લઈ શકાય અને સપ્લાયમાં કોઈ વિક્ષેપ ન આવે તે સુનિશ્ચિત કરવાનો છે.

સમિતિનો મુખ્ય હેતુ દેશની ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવાનો

ત્રણ સભ્યોની આ સમિતિમાં કેન્દ્ર સરકારના બે મહત્વના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં વિદેશ મંત્રી એસ.જયશંકર અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી પણ સભ્ય તરીકે જોડાયા છે. આ સમિતિનો મુખ્ય હેતુ દેશની ઊર્જા સુરક્ષા મજબૂત બનાવવાનો અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને યોગ્ય સંકલન સ્થાપિત કરવાનો છે.

સમિતિ પેટ્રોલ, ડીઝલ અને એલપીજી જેવી ઈંધણ સંબંધિત સ્થિતિ પર સતત નજર રાખશે. જો વૈશ્વિક બજારમાં કોઈ અચાનક ફેરફાર થાય અથવા સપ્લાય ચેઈનમાં મુશ્કેલી ઉભી થાય તો સમિતિ તાત્કાલિક પગલાં લેવા માટે સરકારને માર્ગદર્શન આપશે. સાથે જ અલગ-અલગ મંત્રાલયો વચ્ચે સંકલન વધારવાનું કામ પણ આ સમિતિ કરશે.

સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે

સરકારના સૂત્રો મુજબ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉતાર-ચઢાવને ધ્યાનમાં રાખીને આવી વ્યવસ્થા જરૂરી માનવામાં આવી છે. આ સમિતિ દેશની અંદર પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉપલબ્ધતા, ભાવ અને સપ્લાય પર નજર રાખીને યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ બનશે. સરકારને વિશ્વાસ છે કે આ સમિતિના માધ્યમથી ઈંધણની ઉપલબ્ધતા સ્થિર રહેશે અને કોઈપણ પરિસ્થિતિમાં સામાન્ય જનતાને મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. સાથે જ ઊર્જા ક્ષેત્રમાં નીતિગત નિર્ણયોને વધુ અસરકારક રીતે અમલમાં મુકવામાં પણ સમિતિ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો : Loksabha Today: તમામને નિયમોને આધીન બોલવાની છૂટ, બોલ્યા સ્પીકર ઓમ બિરલા