કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં 'નારી શક્તિ વંદન અધિનિયમ' (મહિલા આરક્ષણ બિલ) પર ચર્ચા દરમિયાન મહત્વની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, 2026 પછી થનારી વસ્તી ગણતરી અને ત્યાર બાદ થનારા પરિસીમન (Delimitation) પછી જ મહિલાઓ માટે બેઠકો અનામત રાખવામાં આવશે. વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોનો જવાબ આપતા તેમણે કહ્યું કે, આ પ્રક્રિયા સમયબદ્ધ રીતે પૂર્ણ કરવામાં આવશે, જેથી 2029ની લોકસભા ચૂંટણી મહિલા આરક્ષણ સાથે યોજાય.
ઇન્દિરા ગાંધીના શાસનકાળનો ઉલ્લેખ કરી વિપક્ષ પર પ્રહાર
અમિત શાહે પરિસીમન અંગે ઉભા થયેલા કન્ફ્યુઝનને દૂર કરતા ઈતિહાસની યાદ અપાવી હતી. તેમણે કહ્યું કે, ઘણા સભ્યો પૂછે છે કે, પરિસીમન અત્યારે કેમ? હું જણાવી દઉં કે, 1971માં ઇન્દિરા ગાંધીની સરકારે બેઠકોની સંખ્યા ફ્રીઝ કરી દીધી હતી. તેમણે ઉમેર્યું કે, 1972માં ઇન્દિરા ગાંધીએ બેઠકો 525 થી વધારીને 545 કરી હતી અને ત્યાર બાદ 1976માં કટોકટી દરમિયાન 42મા સુધારા દ્વારા પરિસીમન પર રોક લગાવી દીધી હતી.
વધતી વસ્તી અને સાંસદોની સંખ્યાનો તર્ક
ગૃહ મંત્રી અમિત શાહે આંકડાકીય માહિતી આપતા જણાવ્યું કે, 1976માં દેશની વસ્તી 56.79 કરોડ હતી, જે આજે વધીને 140 કરોડ થઈ ગઈ છે. વિપક્ષ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, વિપક્ષ એવું ઈચ્છે છે કે, 56 કરોડની વસ્તીમાં જેટલા સાંસદો હતા, તેટલા જ 140 કરોડની વસ્તીમાં રહે. કોંગ્રેસે ત્યારે પણ જનતાને પરિસીમનથી વંચિત રાખી હતી અને આજે પણ તે જ કરી રહી છે.
આ બિલના મુખ્ય ત્રણ ઉદ્દેશ્યો
અમિત શાહે સરકારના આ નિર્ણય પાછળના મુખ્ય ત્રણ ઉદ્દેશ્યો સ્પષ્ટ કર્યા હતા.
- સમયબદ્ધ અમલીકરણ: મહિલા સશક્તિકરણ માટેના બંધારણીય સુધારાને લાગુ કરી 2029ની ચૂંટણી મહિલા આરક્ષણ સાથે કરાવવી.
- લોકશાહીનો સિદ્ધાંત: 'એક વ્યક્તિ, એક વોટ અને એક મૂલ્ય'ના સિદ્ધાંતને સાચા અર્થમાં લાગુ કરવો.
- બંધારણીય સ્પિરિટ: બંધારણ સભાએ જે નક્કી કર્યું હતું તે બંધારણીય ભાવના મુજબ વસ્તીના આધારે પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવું.
આ પણ વાંચો - Amit Shah in Lok Sabha: અમિત શાહના પ્રહાર, કહ્યુ વિપક્ષનો વિરોધ માત્ર મહિલા અનામત બિલ મુદ્દે