પશ્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણામાં યોજાયેલી એક ભવ્ય રેલી દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિપક્ષી નેતાઓ પર આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. આગામી ચૂંટણીઓના પ્રચાર અર્થે બંગાળ પહોંચેલા અમિત શાહે મલ્લિકાર્જુન ખરગે અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કરીને રાજ્યના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવી દીધો છે.


ખરગે અને રાહુલ ગાંધી પર પ્રહાર

તાજેતરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરવામાં આવેલી વિવાદાસ્પદ ટિપ્પણીનો ઉલ્લેખ કરતા અમિત શાહે કહ્યું કે, "હવે રાહુલ ગાંધીની સાથે ખરગેની ભાષા પણ બગડી રહી છે." તેમણે ખરગેને રાહુલ ગાંધીના માર્ગે ચાલનારા નેતા ગણાવ્યા હતા. શાહે વધુમાં ઉમેર્યું કે, જ્યારે વિપક્ષ પાસે કોઈ નક્કર મુદ્દાઓ નથી હોતા, ત્યારે તેઓ વ્યક્તિગત આક્ષેપો અને અભદ્ર ભાષાનો સહારો લે છે.

પીએમ મોદીના અપમાન પર વળતો જવાબ

જનસભાને સંબોધતા ગૃહમંત્રીએ સ્પષ્ટ કર્યું કે દેશની જનતા વડાપ્રધાન મોદીને પ્રેમ કરે છે અને વિપક્ષ દ્વારા કરવામાં આવતા અપમાનનો જવાબ જનતા બેલેટ પેપરથી આપશે. તેમણે રાહુલ ગાંધી અને ખરગેને એક સમાન ગણાવતા કહ્યું કે કોંગ્રેસની આખી સંસ્કૃતિ હવે નકારાત્મકતા તરફ વળી ગઈ છે.

બંગાળમાં ચૂંટણી રણશિંગુ

રેલી દરમિયાન અમિત શાહે બંગાળની મમતા બેનર્જી સરકારને પણ આડેહાથ લીધી હતી. તેમણે ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થાના મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ (TMC) ને ઘેરીને ભાજપના કાર્યકરોમાં નવો જોમ ભર્યો હતો. અમિત શાહની આ ગર્જનાથી સ્પષ્ટ થાય છે કે આગામી દિવસોમાં બંગાળમાં ભાજપ અને વિપક્ષ વચ્ચેનો જંગ વધુ તેજ બનશે.

આ પણ વાંચોઃ Clean India:સ્વર્ગ જેવું સુંદર છે ભારતનું આ ગામ, 22 વર્ષથી એક પણ સફાઈ કામદાર વગર ચમકે છે આખું ગામ

  • Follow us on: