ભારતનો પૂર્વોત્તર પ્રદેશ તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે, પરંતુ શું તમે જાણો છો કે એશિયાનું સૌથી સ્વચ્છ ગામ પણ અહીં જ આવેલું છે? મેઘાલય રાજ્યમાં સ્થિત 'માવલીનોન્ગ' ગામ આજે સમગ્ર વિશ્વ માટે સ્વચ્છતાનું પ્રતીક બની ગયું છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે આ ગામમાં એક પણ સફાઈ કર્મચારી નથી, તેમ છતાં છેલ્લા 22 વર્ષથી આ ગામ સ્વચ્છતામાં ટોપ પર છે.


લોકોની જાગૃતિ જ સફાઈનું હથિયાર

આ ગામની સ્વચ્છતા પાછળનું રહસ્ય અહીંના રહેવાસીઓની વિચારધારા છે. અહીં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના દરેક નાગરિક પોતાની નૈતિક જવાબદારી સમજીને સફાઈ કરે છે. ગામમાં ઠેર-ઠેર વાંસના બનેલા ડસ્ટબિન મૂકવામાં આવ્યા છે અને કચરો રસ્તા પર ફેંકવો અહીં ગુનો ગણાય છે.

પ્લાસ્ટિક પર સંપૂર્ણ પ્રતિબંધ

માવલીનોન્ગમાં પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. અહીં લોકો ઇકો-ફ્રેન્ડલી જીવનશૈલી જીવે છે. કચરાનું વ્યવસ્થિત વર્ગીકરણ કરવામાં આવે છે અને જૈવિક કચરામાંથી કુદરતી ખાતર બનાવી ખેતીમાં ઉપયોગમાં લેવાય છે.

પ્રવાસીઓ માટે ખાસ સૂચના

આ ગામની સુંદરતા જોવા માટે દેશ-વિદેશથી હજારો પ્રવાસીઓ આવે છે. અહીંનો 'સ્કાય વોક' પ્રવાસીઓમાં ખૂબ લોકપ્રિય છે. જોકે, વર્ષ 2023 થી એક નવો નિયમ અમલી બન્યો છે કે રવિવારના દિવસે પ્રવાસીઓને ગામમાં પ્રવેશ આપવામાં આવતો નથી, જેથી સ્થાનિક લોકો શાંતિથી રજા માણી શકે.

માવલીનોન્ગ ગામમાં કેવી રીતે પહોંચવું?

માવલીનોન્ગ પહોંચવા માટે પહેલા ગુવાહાટી કે શિલોંગ પહોંચવું પડે છે. શિલોંગથી આ ગામનું અંતર આશરે 90 કિમી છે. રસ્તામાં ડાવકી નદીના અદભૂત દ્રશ્યો તમારા પ્રવાસને યાદગાર બનાવી દેશે.

આ પણ વાંચો: Israel Mossad News: ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ અંગે મોટો ખુલાસો, જાણો શું છે મામલો?


  • Follow us on: