અરુણાચલ પ્રદેશમાં પ્રસ્તાવિત 11,200 મેગાવોટના સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટ (SUMP)ને લઈને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શનિવારે અરુણાચલ પ્રદેશના પ્રવાસે પહોંચ્યા હતા.

રાજધાની ઇટાનગર નજીક બાંદરદેવા સ્થિત પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે સ્થાનિક લોકોને ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર તેમની પરંપરાઓ, સંસ્કૃતિ અને ધાર્મિક માન્યતાઓનું સંપૂર્ણ રક્ષણ કરશે. આ પ્રોજેક્ટ અંગે આગળનો રસ્તો માત્ર વાતચીત દ્વારા જ કાઢવામાં આવશે.

'તમારી ચિંતાઓ સીધી સાંભળવા આવ્યો છું'

સિયાંગ પ્રોજેક્ટ અંગેના પોતાના પ્રથમ જાહેર નિવેદનમાં ગૃહમંત્રી અમિત શાહે સ્વીકાર્યું હતું કે સ્થાનિક લોકોની કેટલીક ચિંતાઓ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે તેઓ સિયાંગ વિસ્તારના લોકોની લાગણીઓ અને આશંકાઓથી સારી રીતે વાકેફ છે. સ્થાનિક લોકોની ચિંતાઓનું સીધું નિરાકરણ લાવવા માટે જ તેઓ અરુણાચલ પ્રદેશ આવ્યા છે.

સ્થાનિક સમુદાયને સંબોધતા શાહે કહ્યું કે હું સિયાંગના મારા ભાઈઓ અને બહેનોને વિશ્વાસ અપાવવા માગું છું કે સકારાત્મક વાતચીત દ્વારા જ આગળનો રસ્તો કાઢવામાં આવશે. તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

સ્થાનિક સંસ્કૃતિ સાથે કોઈ સમાધાન નહીં- અમિત શાહ

અમિત શાહે પોતાના સંબોધનમાં કહ્યું કે સ્થાનિક સંસ્કૃતિ પ્રત્યે સરકાર અને તેમના મનમાં પણ એટલું જ સન્માન છે, જેટલું સ્થાનિક લોકોના મનમાં છે. તેમણે સ્પષ્ટ કર્યું કે અહીંની પરંપરા, સંસ્કૃતિ અને ધર્મ સાથે કોઈ સમાધાન કર્યા વિના જ પ્રોજેક્ટને આગળ વધારવામાં આવશે.

આ સાથે તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ અરુણાચલ પ્રદેશ સરકાર સાથે વાતચીત કરે અને રાજ્ય વહીવટીતંત્ર મારફતે પોતાની વાત કેન્દ્રીય ગૃહ મંત્રાલય સુધી પહોંચાડે.

સિયાંગ ડેમ પ્રોજેક્ટનો વિરોધ શા માટે થઈ રહ્યો છે?

અરુણાચલ પ્રદેશના સિયાંગ અને અપર સિયાંગ જિલ્લામાં રહેતા આદિ સમુદાયના લોકો અને અનેક સ્થાનિક સંગઠનો આ મેગા ડેમ પ્રોજેક્ટનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. છેલ્લા કેટલાક મહિનામાં આ વિરોધ વધુ તેજ બન્યો છે. તેની પાછળ મુખ્યત્વે ત્રણ કારણો છે.

1. અસ્તિત્વ અને સંસ્કૃતિ પર સંકટ

આદિ સમુદાયના અનેક પરિવારો માટે સિયાંગ નદી માત્ર આજીવિકાનું સાધન નથી, પરંતુ તેમના ઇતિહાસ, પરંપરાગત માન્યતાઓ અને સાંસ્કૃતિક રીતરિવાજો સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે. સ્થાનિક લોકોને આશંકા છે કે આ વિશાળ ડેમના નિર્માણથી તેમનાં પૂર્વજોનાં ગામો, જમીન અને સાંસ્કૃતિક ઓળખ જોખમમાં મુકાઈ શકે છે.

2. પર્યાવરણ અને ભૂકંપની આશંકા

સ્થાનિક રહેવાસીઓ અને સંગઠનોનું કહેવું છે કે સિયાંગ ખીણનું પર્યાવરણ અત્યંત સંવેદનશીલ છે. આ વિસ્તાર ભૂકંપની દૃષ્ટિએ પણ જોખમી ઝોનમાં આવે છે. આવી સ્થિતિમાં આટલા મોટા પાયે બાંધકામ કરવાથી ગંભીર પર્યાવરણીય અને ભૌગોલિક અસરો થઈ શકે છે.

3. પારદર્શિતાનો અભાવ

વિરોધ કરી રહેલા લોકોનો આરોપ છે કે પ્રોજેક્ટ પહેલાં સ્થાનિક જનતા સાથે પૂરતી ચર્ચા કરવામાં આવી નથી. તેઓ પ્રી-ફિઝિબિલિટી રિપોર્ટની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવા અને સમગ્ર પ્રોજેક્ટ પર ફરીથી વિચાર કરવાની માગ કરી રહ્યા છે.

ભારત માટે સિયાંગ રિવર પ્રોજેક્ટ શા માટે મહત્વપૂર્ણ?

કેન્દ્ર સરકાર માટે સિયાંગ નદી પર પ્રસ્તાવિત આ પ્રોજેક્ટ માત્ર વીજળી ઉત્પાદન પૂરતો મર્યાદિત નથી, પરંતુ વ્યૂહાત્મક દૃષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ છે. તેની પાછળનું મુખ્ય કારણ ચીન છે. ચીન તિબેટમાં યારલુન્ગ ત્સાંગપો નદીના ઉપરવાસમાં વિશાળ જળવિદ્યુત પરિયોજના બનાવી રહ્યું છે.

આ જ નદી આગળ જતાં ભારતમાં પ્રવેશ્યા બાદ સિયાંગ અને ત્યારબાદ આસામમાં બ્રહ્મપુત્રા તરીકે ઓળખાય છે. આવી સ્થિતિમાં ચીનના જળ પ્રોજેક્ટની સામે સંતુલન જાળવવા અને ભારતની જળ સુરક્ષા મજબૂત કરવા માટે સિયાંગ પ્રોજેક્ટને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

11,200 મેગાવોટ વીજળીથી શું ફાયદો થશે?

સિયાંગ અપર મલ્ટીપર્પઝ પ્રોજેક્ટની ક્ષમતા 11,200 મેગાવોટની પ્રસ્તાવિત છે. આ પ્રોજેક્ટથી મોટા પ્રમાણમાં વીજળીનું ઉત્પાદન થઈ શકશે. સાથે જ નદીના પાણીના પ્રવાહને નિયંત્રિત કરવામાં પણ મદદ મળી શકે છે.

આ ઉપરાંત અરુણાચલ પ્રદેશમાં સરકારી આવક વધશે, રસ્તા અને અન્ય માળખાકીય સુવિધાઓનો વિકાસ થશે તેમજ મોટા પાયે રોજગારીની તકો ઊભી થઈ શકે છે. જોકે, એક તરફ દેશની જળ સુરક્ષા અને ઊર્જા જરૂરિયાતો માટે આ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ માનવામાં આવે છે,

તો બીજી તરફ સ્થાનિક લોકોની જમીન, સંસ્કૃતિ અને પર્યાવરણને લઈને ચિંતાઓ પણ યથાવત છે. હવે સરકાર આ બંને પાસાં વચ્ચે કેવી રીતે સંતુલન જાળવે છે તેના પર સૌની નજર રહેશે.

આ પણ વાંચો:China-Pakistan Plan: અમેરિકાના રિપોર્ટમાં ચીનનો પર્દાફાશ!ભારત સામે ઘડાઈ રહી છે મોટી રણનીતિ?