દેશની આંતરરાષ્ટ્રીય સરહદોની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને સરહદ પર તૈનાત જવાનોનું મનોબળ વધારવાના હેતુથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 5 જૂને ત્રિપુરાના લંકામુરા બોર્ડર આઉટ પોસ્ટ (BOP)ની મુલાકાત લેશે. છેલ્લા 15 દિવસમાં આ તેમનો ત્રીજો સરહદી પ્રવાસ હશે. આ પહેલાં તેઓ રાજસ્થાનના સાંચૂ અને ગુજરાતના ભુજ સરહદી વિસ્તારોની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી ચૂક્યા છે.


ગૃહમંત્રી BSFના જવાનો સાથે સીધો સંવાદ કરશે

મુલાકાત દરમિયાન ગૃહમંત્રી BSFના જવાનો સાથે સીધો સંવાદ કરશે અને તેમની સાથે હાઈ-ટી કાર્યક્રમમાં પણ ભાગ લેશે. આ દરમિયાન તેઓ સરહદ પર તૈનાત જવાનોની કામગીરી, પડકારો અને જરૂરીયાતો અંગે માહિતી મેળવશે. આ મુલાકાતને જવાનોના ઉત્સાહવર્ધન અને સુરક્ષા દળો પ્રત્યે સરકારની પ્રતિબદ્ધતા દર્શાવતું મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

NDRFના આરઆરસી બિલ્ડિંગનું ઈ-શિલાન્યાસ પણ કરશે

અમિત શાહ BSFના આવાસીય સંકુલ, જવાનોના ક્વાર્ટર્સ, ગાર્ડ કોમ્પ્લેક્સ તેમજ NDRFના આરઆરસી બિલ્ડિંગનું ઈ-શિલાન્યાસ પણ કરશે. આ પ્રોજેક્ટ્સથી સરહદી વિસ્તારોમાં સુરક્ષા માળખું અને સુવિધાઓ વધુ મજબૂત બનવાની આશા છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ગૃહમંત્રી લંકામુરા બોર્ડર ચોકી ખાતે વૃક્ષારોપણ પણ કરશે. ઉપરાંત, તેઓ રાજ્ય સરકાર, BSF અને અન્ય સુરક્ષા એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજશે.

બેઠકમાં ભારત-બાંગ્લાદેશ સરહદની સુરક્ષા, ગેરકાયદે ઘૂસણખોરી અટકાવવા, સ્માર્ટ ફેન્સિંગ, ડ્રોન, સેન્સર અને ડિજિટલ સર્વેલન્સ જેવી આધુનિક ટેક્નોલોજીના ઉપયોગ અંગે ચર્ચા થવાની શક્યતા છે. ગૃહમંત્રીની આ મુલાકાત પૂર્વોત્તર રાજ્યોની સુરક્ષા અને વિકાસને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતી પ્રાથમિકતાનો સ્પષ્ટ સંકેત માનવામાં આવી રહી છે.

આ પણ વાંચો : Haryana : ફરીદાબાદમાં નિર્માણાધીન ફ્લાયઓવર સાઈટ પર ક્રેન પલટી, 3 મજૂરના મોત



  • Follow us on: