હરિયાણાના ફરીદાબાદમાં જ્વેર એરપોર્ટ કનેક્ટિવિટી પ્રોજેક્ટના નિર્માણ કાર્ય દરમિયાન ગુરુવારે મોટો અકસ્માત સર્જાયો છે. પનહેડા ખુર્દ નજીક નિર્માણાધીન ફ્લાયઓવર સાઇટ પર એક ભારે ક્રેન અચાનક બેકાબૂ બની પલટી ગઈ. અકસ્માત બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં 3 મજૂરના મોત થયા છે, જ્યારે ત્રણથી ચાર મજૂરો ક્રેન નીચે દબાઈ ગયા હોવાની માહિતી મળી છે. ઘટનાસ્થળે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી.



ગર્ડર ઊંચકવાની કામગીરી કરવામાં આવી રહી હતી

મળતી માહિતી મુજબ, ગ્રીન કોરિડોર પ્રોજેક્ટ હેઠળ પુલના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ભારે ક્રેનની મદદથી ગર્ડર ઊંચકવાની કામગીરી કરવામાં આવી રહી હતી. અચાનક ક્રેનનું સંતુલન બગડતાં તે પલટી ગઈ હતી. અકસ્માત સમયે સ્થળ પર છથી સાત મજૂરો કામ કરી રહ્યા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં તાજેતરમાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે નિર્માણ સ્થળે કાદવ અને જમીન ધસી જવાની સ્થિતિ સર્જાઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે આ કારણે ક્રેનનું સંતુલન બગડ્યું હોઈ શકે છે. જોકે, અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

અન્ય એક મજૂરની હાલત ગંભીર

અકસ્માત બાદ સ્થાનિક લોકો અને અન્ય મજૂરો બચાવ કામગીરીમાં જોડાઈ ગયા હતા. જાણ થતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. ક્રેન નીચે દબાયેલા મજૂરોને બહાર કાઢીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, એક મજૂરને સર્વોદય હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય એક મજૂરની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે અને પોલીસ તેમજ સંબંધિત વિભાગો અકસ્માતના કારણોની તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ સુરક્ષા નિયમોમાં કોઈ બેદરકારી થઈ હતી કે નહીં તે સ્પષ્ટ થશે.

આ પણ વાંચો : Ebola Case : હૈદરાબાદ એરપોર્ટ પર સુદાનના એક નાગરિકને ઈબોલાના લક્ષણ, આઈસોલેશન સેન્ટરમાં મોકલાયો


  • Follow us on: