હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ગુરુવારે સુદાનનો એક નાગરિક પહોંચ્યો હતો, જેમાં ઈબોલા પ્રભાવિત દેશોની તાજેતરની મુસાફરીનો રેકોર્ડ મળ્યો છે. મુસાફરમાં કેટલાક લક્ષણો જોવા મળતા તેને તાત્કાલિક આઇસોલેશન સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે.
તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોની તપાસ
અધિકારીઓના જણાવ્યા મુજબ, આ મુસાફરે તાજેતરમાં દક્ષિણ સુદાન અને યુગાન્ડાની મુલાકાત લીધી હતી. એરપોર્ટ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા ઈબોલા જેવા ગંભીર રોગના સંભવિત લક્ષણોની તપાસ માટે વિશેષ સ્ક્રીનિંગ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે, જ્યાં તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોની તપાસ કરવામાં આવે છે.
ડોક્ટરો રાખી રહ્યા છે નજર
અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ હાલનો કેસ ઇબોલાનો પુષ્ટિ થયેલો કેસ નથી, પરંતુ માત્ર શંકાસ્પદ કેસ તરીકે તેને જોવામાં આવી રહ્યો છે. મુસાફરમાં આગળના લક્ષણો વિકસે છે કે નહીં તેની તપાસ ચાલુ છે. સંપૂર્ણ પરીક્ષણ અને પુષ્ટિ બાદ જ તેને ઇબોલાનો કેસ જાહેર કરવામાં આવશે. શંકાસ્પદ દર્દીને હૈદરાબાદના સરકારી ગાંધી હોસ્પિટલમાં બનાવવામાં આવેલા ખાસ ઇબોલા આઇસોલેશન સેન્ટરમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. ત્યાં ડોક્ટરો તેની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
ઈબોલા એક ગંભીર અને જીવલેણ રોગ
ગયા મહિને હૈદરાબાદ એરપોર્ટ દ્વારા જાહેર કરાયેલી સૂચનામાં કહેવામાં આવ્યું હતું કે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) અને આરોગ્ય મંત્રાલયના માર્ગદર્શન મુજબ ઉચ્ચ જોખમ ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરો માટે વિશેષ સાવચેતી રાખવામાં આવી રહી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) મુજબ ઈબોલા એક ગંભીર અને ઘણી વખત જીવલેણ રોગ છે, જે માનવો અને પ્રાઈમેટ્સને અસર કરે છે. આ વાયરસ સંક્રમિત જંગલી પ્રાણીઓથી મનુષ્યોમાં ફેલાય છે અને પછી શરીરના પ્રવાહી અથવા સંક્રમિત વસ્તુઓના સંપર્કથી માનવથી માનવમાં ફેલાઈ શકે છે.
આ પણ વાંચો : Parliament Monsoon Session: સંસદના ચોમાસું સત્રમાં ડિલિમિટેશન બિલ લાવવાની તૈયારી, વિપક્ષી દળોના સંપર્કમાં કેન્દ્ર સરકાર