કેન્દ્ર સરકાર આગામી ચોમાસું સત્રમાં ડિલિમિટેશન બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. આ વખતે સરકાર બિલ રજૂ કરતા પહેલા તમામ મોટા પ્રાદેશિક પક્ષોને સાથે લઈને આગળ વધવાની રણનીતિ પર કામ કરી રહી છે. આ અંતર્ગત તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) સહિતના પક્ષો સાથે પ્રાથમિક ચર્ચા શરૂ થઈ ચૂકી છે.


અગાઉ આ મુદ્દે ભારે વિરોધ થયો હતો

મળતી માહિતી મુજબ સરકાર આ વખતે વધુ વ્યૂહાત્મક રીતે આગળ વધવા માગે છે, કારણ કે અગાઉ આ મુદ્દે ભારે વિરોધ થયો હતો. તેથી જ બિલને અંતિમ સ્વરૂપ આપવા પહેલાં જ પ્રાદેશિક પક્ષો સાથે ચર્ચા કરીને સહમતિ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. TMCના કેટલાક સાંસદોએ સરકાર સાથે વાતચીત કરવા અને ચર્ચામાં ભાગ લેવા માટે સકારાત્મક વલણ દર્શાવ્યું છે. જોકે પાર્ટીએ હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

DMKનું શું છે વલણ?

DMKએ પણ હાલમાં કોઈ કડક વિરોધ નોંધાવ્યો નથી. પાર્ટી સરકાર દ્વારા રજૂ થનારા નવા ડ્રાફ્ટ બિલની રાહ જોઈ રહી છે. ડ્રાફ્ટ આવ્યા બાદ જ તે પોતાની સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ કરશે. પરિસીમન એટલે લોકસભા અને વિધાનસભા બેઠકોની સીમાઓ ફરીથી નક્કી કરવાની પ્રક્રિયા. વસ્તી પરિવર્તન અને સ્થળાંતર જેવા કારણોસર સમયાંતરે આ પ્રક્રિયા કરવામાં આવે છે.

વિવાદ શું છે?

દક્ષિણ ભારતના રાજ્યો જેમ કે તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં વસ્તી વૃદ્ધિ ઓછી રહી છે કારણ કે ત્યાં પરિવાર નિયોજનનું પાલન વધુ થયું છે. બીજી તરફ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વસ્તી વધારે વધી છે. જો વસ્તી આધારે બેઠકો નક્કી થાય તો દક્ષિણના રાજ્યોની લોકસભા શક્તિ ઘટી શકે છે, જેનો વિરોધ ત્યાંના રાજ્યો કરી રહ્યા છે.

સરકારની રણનીતિ

સરકાર ઈચ્છે છે કે બિલ રજૂ કરતા પહેલા વધુમાં વધુ પક્ષોની સહમતિ મેળવી શકાય જેથી સંસદમાં તેને પસાર કરવામાં સરળતા રહે. આ માટે વધુ બેઠકો અને ચર્ચાઓ થવાની શક્યતા છે. પ્રથમ સરકાર નવું ડ્રાફ્ટ બિલ તૈયાર કરશે અને ત્યારબાદ તમામ પક્ષોને રજૂ કરશે. સહમતિ બને તો ચોમાસું સત્રમાં બિલ રજૂ થઈ શકે છે, નહીં તો વિવાદ અને વિરોધની સ્થિતિ ઉભી થઈ શકે છે. ભારતમાં અત્યાર સુધી 1952, 1962, 1973 અને 2002 એમ ચાર વખત પરિસીમન કરવામાં આવ્યું છે. હાલ 543 લોકસભા બેઠકો સ્થિર રાખવામાં આવી છે.

આ પણ વાંચો : Modi Governmentના 12 વર્ષ આગામી અઠવાડિયે થશે પૂર્ણ, જાણો શું છે સેબિબ્રેશનનો માસ્ટર પ્લાન



  • Follow us on: