કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહિલાઓના રાજકીય સશક્તિકરણ અને જનપ્રતિનિધિત્વને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટ દ્વારા 132મા બંધારણીય સુધારા વિધેયકને મંજૂરી આપવી એ દેશની મહિલાઓ માટે મહત્વપૂર્ણ પગલું છે. નારી શક્તિ વંદન અધિનિયમ હેઠળ લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો માર્ગ હવે વધુ મજબૂત બનશે.
અમિત શાહના જણાવ્યા અનુસાર, મહિલાઓને રાજકીય ક્ષેત્રમાં યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે મોદી સરકારનો સંકલ્પ રહ્યો છે. વિધાનસભાઓમાં મહિલાઓની ઓછામાં ઓછી એક તૃતીયાંશ ભાગીદારીથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યોજનાઓ વધુ સમાવેશી બનશે. જ્યારે લોકસભામાં મહિલાઓની હાજરી વધવાથી નીતિ નિર્માણ, કાયદા ઘડવા અને દેશની રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ નક્કી કરવામાં તેમનો અવાજ વધુ મજબૂત બનશે.
વિધાનસભાની બેઠકો 500થી વધારી 650 કરવાની તૈયારી
અમિત શાહે વધુમાં જણાવ્યું કે 132મા બંધારણીય સુધારા વિધેયકમાં બંધારણના અનુચ્છેદ 170(1)માં સુધારો કરીને રાજ્ય વિધાનસભાઓની બેઠકોની મહત્તમ મર્યાદા 500થી વધારીને આશરે 650 કરવાની દરખાસ્ત પણ સામેલ છે.
તેમના મતે, આ નિર્ણયથી દેશનાં રાજ્યોમાં જનપ્રતિનિધિત્વ વધશે અને શાસન વ્યવસ્થા લોકોની વધુ નજીક આવશે. વિધાનસભામાં વધુ જનપ્રતિનિધિઓ હોવાથી તેઓ પોતાના વિસ્તારની પ્રાથમિકતાઓ અને સ્થાનિક સમસ્યાઓ ગૃહમાં વધુ સારી રીતે રજૂ કરી શકશે. તેના કારણે સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ યોજનાઓ બનાવવામાં અને વિકાસને ગતિ આપવામાં મદદ મળશે.
https://x.com/AmitShah/status/2126589498943484063?a=T1riTtfzfiuZULo6Hck&s=20
ઉત્તર પ્રદેશને પણ મળશે વધુ પ્રતિનિધિત્વ
અમિત શાહે ઉત્તર પ્રદેશનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ જોગવાઈથી ઉત્તર પ્રદેશ અવિભાજિત રહે તો વિધાનસભામાં પોતાનું પ્રતિનિધિત્વ વધારી શકશે. સાથે જ મહિલાઓને મળનારા એક તૃતીયાંશ અનામતથી રાજ્યની મહિલાઓને અત્યાર સુધીનું સૌથી મોટું પ્રતિનિધિત્વ મળી શકશે.
તેમણે કહ્યું કે વધુ જનપ્રતિનિધિઓ પોતાના વિસ્તારોના પ્રશ્નો અને જરૂરિયાતો વિધાનસભામાં ઉઠાવી શકશે. તેનાથી વિકાસની કામગીરીને વેગ મળશે અને જનભાગીદારી પણ મજબૂત બનશે.
https://x.com/AmitShah/status/2126585484633907559?a=nVMvEolc12eiqGBx_Ko&s=20
તમામ રાજકીય પક્ષોને વિધેયકના સમર્થનની અપીલ
અમિત શાહે દેશના તમામ રાજકીય પક્ષોને આ ઐતિહાસિક વિધેયકનું સ્વાગત કરવા અને તેને સમર્થન આપવા અપીલ કરી છે. તેમના જણાવ્યા અનુસાર, મહિલાઓને શાસન વ્યવસ્થામાં મજબૂત ભાગીદાર બનાવવાની સાથે આ નિર્ણય સુશાસન અને લોકશાહી વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.
આ પણ વાંચો:Railwayની મોટી સફળતા! 6.59 કિમી લાંબી ટનલ તૈયાર, હવે પહાડોમાં દોડશે વંદે ભારત એક્સપ્રેસ!