સામાજિક કાર્યકર અન્ના હજારેની તબિયત લથડતા તેમને મુંબઈની બોમ્બે હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ મહારાષ્ટ્રના રાલેગણ સિદ્ધિ નજીકની સ્થાનિક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. જોકે, તબિયતમાં વધુ ઘટાડો થતાં તેમને વધુ સારી સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવ્યા હતા.

https://twitter.com/ANI/status/2094463797352358105

અન્ના હજારેને ગંભીર વાયરલ ઈન્ફેક્શન

મળતી માહિતી મુજબ, 89 વર્ષીય અન્ના હજારે ગંભીર વાયરલ ઈન્ફેક્શન અને એક્યુટ ડિહાઈડ્રેશનથી પીડાઈ રહ્યા છે. બોમ્બે હોસ્પિટલમાં ડૉ. ગૌતમ ભણસાલીની દેખરેખ હેઠળ તેમની સારવાર ચાલી રહી છે. હાલ તબીબોની ટીમ તેમની તબિયત પર સતત નજર રાખી રહી છે. વિવિધ તપાસના રિપોર્ટના આધારે આગળની સારવાર અંગે નિર્ણય લેવામાં આવશે.

NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓને આપ્યો હતો ટેકો

અન્ના હજારે તાજેતરમાં NEET પેપર લીકના મુદ્દે જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શનના સમર્થનમાં આવ્યા હતા. 20 જુલાઈએ વિદ્યાર્થીઓ દ્વારા સંસદ તરફ માર્ચ દરમિયાન થયેલી કથિત પોલીસ કાર્યવાહી અને હિંસાની તેમણે નિંદા કરી હતી. આ અંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી તેમની સમસ્યાઓનું સમાધાન કરવાની અપીલ કરી હતી.

તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે

પત્રમાં અન્ના હજારે જણાવ્યું હતું કે લોકશાહીમાં હિંસા, જાહેર સંપત્તિને નુકસાન અને બિનજરૂરી બળપ્રયોગ માટે કોઈ સ્થાન નથી. તેમણે પેપર લીક, ભરતી પ્રક્રિયામાં વિલંબ અને બેરોજગારી જેવા યુવાનોના મુદ્દાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે એકતા દર્શાવવા અન્ના હજારે 23 જુલાઈએ બે કલાકનું મૌન પ્રદર્શન પણ કર્યું હતું. તેઓ આશરે દોઢ દાયકા પહેલાં ‘ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન’ આંદોલન અને ભ્રષ્ટાચાર વિરુદ્ધના ઉપવાસને કારણે રાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા હતા. હાલમાં તેમના સ્વાસ્થ્ય પર તબીબોની ટીમ સતત નજર રાખી રહી છે.

આ પણ વાંચો : TB Mukt Bharat : જે.પી. નડ્ડાએ ટીબી નાબૂદી અભિયાનની પ્રગતિની કરી સમીક્ષા