જમ્મુ કાશ્મીરના રાજૌરી સેક્ટરમાં લાઈન ઓફ કંટ્રોલ નજીક ભારતીય સેનાએ ઘૂસણખોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.રુમલીધારા વિસ્તારમાં સરહદ પારથી થઈ રહેલી શંકાસ્પદ હિલચાલ પર જવાનોની નજર પડતાં જ સેનાએ ઘૂસણખોરોને ઘેરી લીધા હતા.જવાનોએ પડકાર ફેંકતાં ઘૂસણખોરોએ અંધાધૂંધ ગોળીબાર શરૂ કર્યો હતો પરંતુ સેનાએ ત્વરિત અને જડબાતોડ જવાબી ક્વાયત હાથ ધરતા ઘૂસણખોરો પાછા ભાગી જવા મજબૂર બન્યા હતા.ઘૂસણખોરો ભાગી છૂટ્યા બાદ સેનાએ તાત્કાલિક સમગ્ર રુમલીધારા અને આસપાસના જંગલ વિસ્તારને ઘેરી લીધો હતો.
લશ્કરી ટુકડીઓ તૈનાત કરવામાં આવી
આતંકીઓ ક્યાંક છુપાયેલા હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જવાનો દ્વારા ઘનઘોર જંગલો અને પહાડી માર્ગોની બારીકાઈથી તપાસ કરાઈ રહી છે.સ્થિતિની ગંભીરતાને જોતાં વિસ્તારમાં વધારાની લશ્કરી ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે અને ભાગવાના સંભવિત રસ્તાઓ પર ડ્રોન અને અત્યાધુનિક સાધનોથી નજર રાખવામાં આવી રહી છે.સુરક્ષા દળો હાલ એ બાબતની તપાસ કરી રહ્યા છે કે આ ઘૂસણખોરીમાં કેટલા આતંકીઓ સામેલ હતા અને તેમની પાસે કયા પ્રકારના હથિયારો હતા.
