અમેરિકાની મધ્યસત્ર ચૂંટણીમાં ડેમોક્રેટ અબ્દુલ રહેમાન મોહમ્મદ અલ-સૈયદે મિશિગન સેનેટ બેઠક પર ભવ્ય વિજય મેળવીને ઐતિહાસિક સફળતા હાંસલ કરી છે. યુએસ સેનેટમાં ચૂંટાયેલા તેઓ પ્રથમ મુસ્લિમ સેનેટર બન્યા છે. તેમની આ જીતની ગૂંજ હવે ભારતીય રાજકારણમાં પણ સંભળાઈ રહી છે. AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ અબ્દુલ અલ-સૈયદની જીત પર ખુશી વ્યક્ત કરતા ભારતના, ખાસ કરીને ઉત્તર પ્રદેશના મુસ્લિમોને પોતાની રાજકીય ઓળખ મજબૂત બનાવવાની વિનંતી કરી છે.
અસદુદ્દીન ઓવૈસીનો પ્રહાર અને આહ્વાન
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરતા ઓવૈસીએ લખ્યું, "મિશિગનમાં એક અબ્દુલ જીત્યો છે, હવે ઉત્તર પ્રદેશના અબ્દુલે પણ પોતાની રાજકીય ઓળખ મજબૂત બનાવવી પડશે. વિરોધીઓએ 'અબ્દુલ' નામને મજાકમાં ફેરવવાનો ઘણો પ્રયાસ કર્યો છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે એ સમજવામાં આવે કે અબ્દુલ અલ્લાહ સિવાય કોઈની સેવા કરતો નથી. હવે આપણે કોઈના માટે કાર્પેટ પાથરવાનું કામ નહીં કરીએ."
કોણ છે અબ્દુલ અલ-સૈયદ?
૪૨ વર્ષીય અબ્દુલ અલ-સૈયદ એક ઇજિપ્તીયન-અમેરિકન ડૉક્ટર અને પ્રગતિશીલ નેતા છે. તેમણે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર માઇક રોજર્સને કડક ટક્કરમાં હરાવીને જીત મેળવી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમને સતત ઇસ્લામોફોબિક હુમલાઓનો સામનો કરવો પડ્યો હતો. ખુદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને "જેહાદી" કહ્યા હતા અને સેનેટમાં પ્રવેશતા પહેલા મેટલ ડિટેક્ટરથી તપાસ કરવાની વાત કરી હતી. આ સિવાય, પોતાની જ પાર્ટીના કેટલાક નેતાઓના વિરોધ છતાં તેમણે જનતાના સમર્થનથી આ ઐતિહાસિક સફળતા મેળવી.
વિજય બાદ અલ-સૈયદનો સ્પષ્ટ સંદેશ
પોતાના વિજયી સંબોધનમાં અલ-સૈયદે અમેરિકન સિસ્ટમમાં કોર્પોરેટ કંપનીઓ અને અબજોપતિઓના પ્રભાવ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દેશમાં વધતી મોંઘવારી, ગેસના ભાવ અને આરોગ્યસંભાળના ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કડક શબ્દોમાં કહ્યું હતું કે, "અમેરિકન નાગરિકોના ટેક્સના પૈસા પોતાના દેશના બાળકો અને પરિવારો માટે ખર્ચવા જોઈએ, નહીં કે અન્ય દેશોના બાળકો પર બોમ્બ ફેંકવા પાછળ."
આ પણ વાંચોઃ US Election Result: જીત બાદ અબ્દુલ અલ સૈયદનો અમેરિકાને સંદેશ, કહ્યુ ટેક્સના પૈસા બાળકો પર બોમ્બ ફેંકવા માટે નથી!